Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 13 તાજેતરના પ્રવાહો અને ટેક્નોલૉજી for practice and self-assessment.
GSEB Computer Textbook Solutions Class 11 Chapter 13 તાજેતરના પ્રવાહો અને ટેક્નોલૉજી
પ્રશ્ન 1.
મોબાઇલ કમ્પ્યુટિંગ માટે સૌથી સામાન્ય ગણાતી ટેક્નોલૉજીની યાદી આપો.
ઉત્તર:
મોબાઇલ કમ્પ્યુટિંગ માટે સૌથી સામાન્ય ગણાતી ટેક્નોલૉજીની યાદી નીચે મુજબ છે :
- વાઇ-ફાઇ (Wi-Fi)
- 3G (Third Generation)
- 4G (Fourth Generation)
- બ્લ્યૂ-ટૂથ (Bluetooth)
- GPS (Global Positioning System)
- GSM (Global System for Mobile Communication)
- CDMA (Code Division Multiple Access)
- GPRS (General Packet Radio Service) વગેરે.
પ્રશ્ન 2.
અંગત ક્લાઉડ વિનિયોગ અને દાકીય કલાઉડ વિનિયોગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
ક્લાઉડ કમ્પ્યુટિંગ (Cloud Computing)
- આપણને આજકાલ ટેક્નોલૉજીની બીજી એક મોટી સેવા ઉપલબ્ધ બની છે તે છે, ક્લાઉડ કમ્પ્યુટિંગ (Cloud Computing). ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપયોગકર્તાને તેમના ડેટા અને સંસાધનોને દુનિયાના કોઈ પણ ખૂણેથી ઉપયોગ કરી શકવાનું સામર્થ્ય બક્ષે છે.
- અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગ (Personal Cloud Computing) હેઠળ ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ પ્લસ ફોટોસ વચ્ચે વહેંચાતી 5 GBની જગ્યા બિલકુલ મફત આપે છે. જેથી તમે આ જગ્યામાં તમારી ફાઈલો, ઇ-મેઇલ અને ફોટા રાખીને ગમે તે સાધન વડે, ગમે ત્યાંથી તેનો ઉપયોગ કરી શકો છો. આ વિકલ્પ પેન ડ્રાઇવ લઈ જવા કરતા વધુ સારો છે. આકૃતિ 13.4માં ગૂગલ ડ્રાઇવનું એક પેજ દર્શાવેલ છે.
- Ubuntu One એ એક અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગ(Personal Cloud Computing)નું બીજું ઉદાહરણ છે, જે આપણા તમામ ડિજિટલ ડેટાને ભેગા રાખવાની સવલત પૂરી પાડે છે.
- સંગ્રહ સુમેળ (Sync), ડેટા-વહેંચણી (Sharing) અને ડેટાને સ્ટ્રીમિંગ (Streaming) કરવાની સવલત ધરાવતી ક્લાઉડ સેવાઓ માટેના Ubuntu One સ્યૂટ દ્વારા આપણે આપણા સંગ્રહેલા સંગીત, ફોટા, વીડિયો, અગત્યના દસ્તાવેજ અને ડેટા ગમે તે સાધન મારફત અને ગમે તે સ્થળેથી ગમે તે સમયે ઉપયોગ કરી શકીએ છીએ.
- વિનામૂલ્યે ઉપલબ્ધ ઑપરેટિંગ સિસ્ટમ, Ubuntu માટે સ્થિર આવક પૂરી પાડવા મે – 2009માં Ubuntu Oneની સેવા શરૂ કરવામાં આવી હતી, જેને કેનોનિકલ (Canonical) દ્વારા આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવ્યું હતું.
- આકૃતિ 13.5માં Ubuntu Oneનું હોમ પેજ દર્શાવેલ છે.
નોંધ : ક્લાઉડ કમ્પ્યુટિંગનો મહત્ત્વનો ફાયદો એ આપમેળે સુમેળ (Automatic synchronization) છે. ક્લાઉડ ખાતાને અનેક સાધનો જેવાં કે, ઉપયોગકર્તાનું ઘરનું ડેસ્કટૉપ કમ્પ્યૂટર, ઑફિસનું લૅપટૉપ કમ્પ્યૂટર, મોબાઇલ ફોન વગેરે સાથે સુમેળમાં રાખવું (Synch રાખવું) શક્ય છે.
- ક્લાઉડ કમ્પ્યુટિંગને લીધે ધંધા-ઉદ્યોગોને પણ ઘણો મોટો લાભ થયો છે. ધંધા-ઉદ્યોગો માટે ક્લાઉડ કમ્પ્યુટિંગની રૂપરેખાનાં મૉડેલ નીચે દર્શાવ્યા છે :
- સૉફ્ટવેર એઝ એ સર્વિસ (Software as a Service – SaaS)
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ (Infrastructure as a Service – IaaS)
- પ્લૅટફૉર્મ એઝ એ સર્વિસ (Platform as a Service – PaaS)
પ્રશ્ન 3.
RFIDના કાર્યને ટૂંકમાં વર્ણવો.
ઉત્તરઃ
રેડિયો ફ્રીક્વન્સી પરખ (Radio Frequency Identification – RFID)
- કોઈક વસ્તુની ભાળ મેળવવા (Tracking) અને પરખ કરવા બજારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ટેક્નોલૉજી રેડિયો ફ્રીક્વન્સી પરખ (RFID) છે.
- રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ ત્રણ ભાગોની બનેલી હોય છે, જે નીચે મુજબ છે :
(1) ઍન્ટેના (Antenna)
(2) ટ્રાન્સિવર (Transceiver)
(3) ટ્રાન્સપોન્ડર (Transponder) હવે તે ભાગો વિશે સમજીએ.
(1) ઍન્ટેના (Antenna) : ઍન્ટેના પ્રમાણમાં ટૂંકા અંતર(Range)માં રેડિયો ફ્રીક્વન્સી સંકેતો ઉત્પન્ન કરવાના ઉપયોગમાં આવે છે.
- આ અંતર 10 સેન્ટિમીટરથી 200 મીટરનું હોઈ શકે.
- ઍન્ટેના, હાથમાં રાખવાનું અથવા લગાડવા માટેનું હોઈ શકે છે.
(2) ટ્રાન્સિવર (Transceiver) : ટ્રાન્સિવર રેડિયો ફ્રીક્વન્સી સંકેતો વાંચે છે અને પ્રક્રિયા કરતા સાધન, સામાન્ય રીતે ‘રેડિયો ફ્રીક્વન્સી રીડર’ સુધી તેની માહિતી પહોંચાડે છે.
તે ટ્રાન્સપોન્ડરમાં સંગ્રહાયેલ ડેટાનું અર્થઘટન કરવા ડીકોડર (Decoder) તરીકે કાર્ય કરે છે.
(3) ટ્રાન્સપોન્ડર (Transponder) : ટ્રાન્સપોન્ડર એ RFID ટૅગ છે, જે ઑબ્જેક્ટ સાથે જોડાયેલ હોય છે.
- ટૅગ એક તૈયાર પ્રોગ્રામ સંગ્રહેલી માઇક્રોચીપ છે.
- ટૅગ સક્રિય (Active) કે નિષ્ક્રિય (Passive) હોઈ શકે છે.
- અક્રિયાશીલ ટૅગને કાર્ય કરવા માટે બૅટરીની જરૂર પડતી નથી, જ્યારે ક્રિયાશીલ ટૅગને બૅટરીની જરૂર પડે છે અને તે તેમની પોતાની બૅટરી સાથે જ આવે છે.
RFID પદ્ધતિની કાર્યશૈલી :
- RFID ટંગમાંથી ડેટાનું પ્રસારણ ત્યારે જ થાય છે, જ્યારે ટૅગ ઍન્ટેનાના ક્ષેત્રમાંથી પસાર થાય છે. ટૅગ એ પછી ઍન્ટેનામાંથી સક્રિય થયાના સંકેત ચકાસે છે. આમ થવાથી RFID ટૅગ સક્રિય થાય છે અને સ્કેનિંગ ઍન્ટેના દ્વારા ઝીલવા માટે તેની માઇક્રોચીપ પર રહેલી માહિતી પ્રસારિત કરે છે.
- આકૃતિ 13.8માં RFID પદ્ધતિની કાર્યશૈલી દર્શાવેલ છે.
- RFID ટેક્નોલૉજીનો ઉપયોગ ઘણાં બધાં ક્ષેત્રોમાં કરવામાં આવે છે. તેમાંનાં અમુક નીચે જણાવેલ છે :
- 2008ની ‘બેઇજિંગ સમર ઑલિમ્પિક ગેમ્સ’માં ટિકિટની વ્યવસ્થા અને ખાણી-પીણીની ચીજવસ્તુઓ શોધી કાઢવા RFID ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- RFID ટેક્નોલૉજીએ 2008ની ‘બેઇજિંગ સમર ઑલિમ્પિક ગેમ્સ’માં સુરક્ષા કર્મચારીઓને, હોટેલો, સ્થળો, ઉત્પાદકો, વિતરણ-કેન્દ્રો અને હૉસ્પિટલો પર નજર રાખવા માટે ખૂબ મદદ કરી હતી.
- ઑલિમ્પિક ગેમ્સ દરમિયાન RFID ટેક્નોલૉજીના ઉપયોગથી તૈયાર કરેલ ‘ફૂડ-સેફ્ટી ટ્રેકિંગ સિસ્ટમ’ દ્વારા ખાણી-પીણીની ચીજવસ્તુઓનું ઉત્પાદન, પ્રક્રિયા અને વિવિધ સ્થળે ખોરાકનાં પડીકાંનું પરિવહનનું નિયમન કરવામાં આવ્યું હતું.
- સતત રખડતા રહેતાં પશુઓના ટોળાની ભાળ મેળવવા અને ધ્યાન રાખવા RFID ટેક્નોલૉજી ઉપયોગમાં લેવાય છે.
- RFID ટેક્નોલૉજી હવે ગ્રંથાલયોમાં પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. પુસ્તકોની હેર-ફેરની ભાળ મેળવવા તેમજ પુસ્તકોની ચોરી પકડી પાડવા તેનો વિશેષ ઉપયોગ થાય છે.
- સુપર માર્કેટમાં ચીજવસ્તુઓની ચોરી અટકાવવા માટે પણ આજકાલ RFID ટેક્નોલૉજીનો ઉપયોગ થાય છે.
ગ્રંથાલય(લાઇબ્રેરી)માં RFID ટેક્નોલૉજીના ઉપયોગની કાર્યપદ્ધતિ :
- ગ્રંથાલયમાં RFID ટેક્નોલૉજીનો ઉપયોગ કરવા માટે કાગળ જેવા પાતળા ‘સ્માર્ટ લેબલ’ની જરૂર પડે છે. તેનું કદ જુદી જુદી લાઇબ્રેરીની જરૂરિયાત અનુસાર જુદું જુદું હોય છે.
- મોટા ભાગના કિસ્સામાં ‘સ્માર્ટ લેબલ’નું કદ 2” × 2″ હોય છે.
- આ લેબલ દરેક પુસ્તકના મુખ્ય પાના(પૂંઠા)ની અંદરની બાજુએ એ રીતે લગાડવામાં આવે છે કે, જેથી પુસ્તક ઉઘાડતી કે બંધ કરતી વખતે અવરોધરૂપ ન બને.
- લેબલને એક નાનું ઍન્ટેના અને એક નાની ચીપ (માઇક્રોચીપ) હોય છે, જેમાં પુસ્તક અંગેની માહિતી સંગ્રહવામાં આવે છે.
- લેબલમાં માઇક્રોચીપ ઉપર સમાવિષ્ટ માહિતી RFID સ્કેનર / રીડરની મદદથી લાઇબ્રેરીમાં કોઈ પણ જગ્યાએથી વાંચી શકાય છે.
- ગ્રંથાલય(લાઇબ્રેરી)માં RFID ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાથી નીચે મુજબના ફાયદા થાય છે :
- પુસ્તકો આપવાં અને પાછાં જમા લેવાની કામગીરી ઝડપી અને સરળ બને છે.
- ‘સર્ક્યુલેશન ઑપરેશન’ (Circulation operation) પાર પાડવા માટે લાગતો સમય ઘટાડી શકાય છે.
- એક પણ પુસ્તકને કાઢ્યા વિના એકસાથે એક જ રૅકમાં પડેલ અનેક પુસ્તકોની વિગતો વાંચી શકાય છે.
પ્રશ્ન 4.
ઑબ્જેક્ટની ઓળખમાં બાયોમૅટ્રિક ટેક્નિકનું મહત્ત્વ શું છે?
ઉત્તરઃ
બાયોમૅટ્રિક્સ (Biometrics)
- ટેક્નોલૉજીના વધતા જતા ઉપયોગને કારણે માહિતીના ઉપયોગ પર નિયંત્રણો મૂકવા જરૂરી બન્યા છે. આ માટે ઘણી બધી પદ્ધતિઓ જેવી કે, પાસવર્ડ દ્વારા સુરક્ષા (Password protection), માહિતીના ઉપયોગ માટેના અધિકાર (Access rights), સંકેતીકરણ (Encription) વગેરે ઉપયોગમાં લેવાઈ રહી છે.
- માહિતીના ઉપયોગ પર વધુ સારી રીતે નિયંત્રણ મૂકવાં હવે ઘણા વિનિયોગમાં બાયોમેટ્રિક ટેક્નોલૉજીનો ઉપયોગ થાય છે.
- બાયોમૅટ્રિક્સ સામાન્ય રીતે માનવીઓની તેમની લાક્ષણિકતાઓ અને વર્તન પર આધારિત ઓળખ છે. માનવીની આવી શારીરિક લાક્ષણિકતાઓમાં નીચેની લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે :
- આંગળીઓ રેખાની છાપ
- આંખની કીકી અને નેત્રપટલ
- અવાજનો પ્રકા૨
- ચહેરાની રચના
- હસ્તાક્ષર અને હાથનું માપ વગેરે.
- બાયોમૅટ્રિક પદ્ધતિ સામાન્ય રીતે પાંચ ભાગની બનેલી હોય છે.
- એક સેન્સર, જેનો ઉપયોગ માહિતી એકઠી કરવા માટે થાય છે.
- સંકેતો પર પ્રક્રિયા કરવા માટે ઍલ્ગોરિધમ, જે ગુણવત્તા નિયંત્રણનું કાર્ય કરે છે. (બાયોમૅટ્રિક પૅટર્ન તૈયાર કરે છે.)
- ડેટા-સંગ્રાહક (Data Storage) જે નવી બાયોમૅટ્રિક પૅટર્ન સાથે સરખાવવા જરૂરી માહિતી સંગ્રહે છે.
- સરખામણી કરવા માટેનું ઍલ્ગોરિધમ (Matching algorithm) કે જે ખરેખર સરખામણી કરે છે.
- નિર્ણય-પ્રક્રિયા કે નિર્ણય કરવા માટે ‘મૅચિંગ ઍલ્ગોરિધમ’ પાસેથી પરિણામ મેળવે છે.
હવે આપણે ઉપયોગ પર નિયંત્રણ અને ઉપયોગકર્તાની ઓળખ તેમજ અધિકૃતતા માટે ઉપયોગમાં લેવાતી બાયોમૅટ્રિક્સની આંગળીઓની છાપ, આંખની કીકી અને અવાજ ઓળખ ટેનિક વિશે સમજીશું.
આંગળાઓની છાપની ઓળખ (Fingerpoint Recognition) :
- અંગૂઠાની છાપનો ઉપયોગ એ વ્યક્તિને ઓળખવા માટેની અધિકૃત રીત છે.
- આધુનિક ફિંગરપ્રિન્ટ રેકગ્નિશન વ્યવસ્થા આંગળાંનાં ટેરવા પર આવેલી અજોડ, બારીક રેખાઓની રચના કે ભાત દ્વારા બનતી છાપનો ઉપયોગ કરે છે.
- આંગળાઓ પરની રેખાઓની આ જન્મજાત કુદરતી રચના ક્યારેય બદલાતી કે બગડતી નથી, સિવાય કે અકસ્માત જેવા અસામાન્ય સંજોગો.
- આકૃતિ 13.9 (a)માં આંગળીઓની છાપનું ચિત્ર તથા આકૃતિ 13.9(b)માં હાજરી નોંધવા માટે ઉપયોગમાં લેવાતું ‘ફિંગરપ્રિન્ટ’ રીડર દર્શાવેલ છે.
- આજકાલ બજારમાં મળતા મોટા ભાગના લૅપટૉપ અધિકૃતતા તપાસવા માટે આંગળાઓની છાપ દ્વારા ઓળખ માટેની પદ્ધતિ ધરાવે છે.
- કોષ્ટક 1માં કેટલીક સરકારી, ફોરેન્સિક અને વાણિજ્યિક વિભાગમાં આંગળાઓની છાપની ઓળખ પદ્ધતિ કયા કયા વિનિયોગમાં વપરાય છે તે દર્શાવેલ છે.
કોષ્ટક 1 : આંગળાઓની છાપની ઓળખ માટેના કેટલાક ઉપયોગો
સરકારી | ફોરેન્સિક | વાણિજ્યિક |
• AADHAR કાર્ડ, રેશનકાર્ડ, BPL કાર્ડ વગેરે જેવાં ઓળખપત્રો
• વાહન ચલાવવાના પરવાના (ડ્રાઇવિંગ લાયસન્સ) • કલ્યાણ યોજનાઓનાં નાણાંની ભરપાઈ • પાસપોર્ટ-નિયંત્રણ વગેરે |
• ગુનાઇત વ્યક્તિની તપાસ માટે
• સેના કે રક્ષકદળની ઓળખ માટે • ગુના અંગેની માહિતી રાખવા • ત્રાસવાદીઓની ઓળખ માટે |
• કમ્પ્યૂટરને નેટવર્ક લૉગ-ઑન
• ઇલેક્ટ્રૉનિક ડેટાની સલામતી માટે • ATM કાર્ડ, ડેબિટ કાર્ડ જેવાં ‘સ્માર્ટકાર્ડ’ માટે • સવલતના ઉપયોગના નિયમન માટે (Facility Access Control) પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ (PDA) • દૂરવર્તી શિક્ષણ (Distance Learning) |
આંખની કીકીના સ્નાયુની ઓળખ (Iris Recognition) :
- આંખની અંદર રહેલા સ્નાયુઓને ‘આઇરિસ’ (Iris) તરીકે ઓળખવામાં આવે છે, જે કીકીના કદનું નિયમન કરે છે અને આંખમાં કેટલો પ્રકાશ પ્રવેશે તેનું નિયંત્રણ કરે છે. આ આંખનો રંગીન ભાગ છે, જે સ્નાયુઓમાં રહેલ ‘મેલાટોનિન’ (Melatonin) દ્રવ્યના પ્રમાણ અનુસાર રંગાયેલો હોય છે.
- કોઈ પણ વ્યક્તિની કીકીની આસપાસના સ્નાયુની રચના જીવનભર બદલાતી નથી. આંખો પર શસ્ત્રક્રિયા કરવામાં આવે તોપણ તેની લાક્ષણિકતાઓ બદલાતી નથી.
નોંધ : મનુષ્યની આંખમાં આઇરિસની 266 જેટલી અજોડ લાક્ષણિકતાઓ હોય છે. - બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની ‘આઇરિસ રેકગ્નિશન સિસ્ટમ’માં 173 લાક્ષણિક્તાઓનો ઉપયોગ થાય છે.
- ‘આઇરિસ રેકગ્નિશન સિસ્ટમ’માં આઇરિસની તસવીર ખેંચવા માટે એક નાના ‘હાઇ-રિઝોલ્યુશન’ કૅમેરાની જરૂર પડે છે. જે ચિત્ર લેવા માટે ‘ઇન્ફ્રારેડ ઇમેજિંગ’ પર મદાર રાખે છે.
- આ સિસ્ટમમાં વ્યક્તિ કૅમેરાથી 3થી 10 ઇંચ સુધીના અંતરે ઊભી હોવી જરૂરી હોય છે. તે પછી કૅમેરાની સામે 1 ચોરસ ઇંચ વિસ્તારમાં અરીસામાં આઇરિસને કેન્દ્રિત કરવામાં આવે છે. આઇરિસની છબી ખેંચવા માટેના કૅમેરા આશરે 18 ઇંચના અંતર સુધી સારી રીતે કામ કરે છે.
- આજકાલ ‘આઇરિસ રેકગ્નિશન સિસ્ટમ’નો ઉપયોગ નીચેના વિનિયોગમાં કરવામાં આવે છે :
- રોકડ લેણ-દેણનાં મશીનો (ATM) પર બૅન્ક ખાતાનો ઉપયોગ કરવા
- ચોરી રોકવાનાં સાધનોમાં
- મકાનો તથા ઘરોમાં અધિકૃત પ્રવેશ માટે
- સ્વયંસંચાલિત આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવા
- વાહનોને ખોલવા અને ચાલુ કરવાં
- વિમાન ઉડ્ડયનની સલામતી માટે
- બાયોમૅટ્રિક-કી ક્રિપ્ટોગ્રાફીમાં
- પ્રતિબંધિત વિસ્તારોના ઉપયોગ પર નિયંત્રણ માટે
- ડેટાબેઝનો ઉપયોગ અને કમ્પ્યૂટર લૉગ-ઇન વગેરેમાં
• અવાજ / બોલીની ઓળખ Voice/Speech Recognition) :
- અવાજ / બોલીની ઓળખ એક બાયોમેટ્રિક ટેક્નિક છે, જે કોઈ વ્યક્તિના અવાજનો ઇનપુટ તરીકે ઉપયોગ કરીને તેના દ્વારા કરી શકાતી ક્રિયાઓ પર અંકુશ મૂકે છે.
- અવાજ / બોલીની ઓળખ (Voice/Speech Reco- gnition) પદ્ધતિના ઉપયોગ નીચે દર્શાવેલ છે :
- બૅન્ક દ્વારા ટેલિફોન મારફત વ્યવહારો કરતી વખતે અને ખાતાની જાળવણી માટે ફોન કરનારની ઓળખની ચકાસણી કરવા માટે (કોલ-સ્ટિયરિંગ).
- મોબાઇલ દ્વારા જે વ્યક્તિ સાથે વાત કરવી હોય તે વ્યક્તિનું માત્ર નામ બોલીને ફોન જોડવા માટે (વૉઇસ ઇનેબલ્ડ ઑપરેશન્સ).
- ફોરેન્સિક વિજ્ઞાનમાં તપાસના ભાગરૂપે સાક્ષી દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયાઓની સત્યતા નક્કી કરવા માટે.
- અંધ અથવા અંશતઃ અંધ ઉપયોગકર્તા અવાજ વડે આદેશ આપીને ઍપ્લિકેશન વિન્ડો ખોલી શકે, પત્ર ટાઇપ કરી શકે અથવા કમ્પ્યૂટર બંધ કરી શકે તેવી ઍપ્લિકેશન બનાવવા માટે.
પ્રશ્ન 5.
આંગળાંની છાપની ઓળખ અને આંખની કીકીની ઓળખ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ તફાવત ઓળખી બતાવો.
ઉત્તરઃ
આંગળાની છાપની ઓળખ | આંખની કીકીની ઓળખ |
1. આ પદ્ધતિમાં આંગળાંનાં ટેરવા પર આવેલી અજોડ, બારીક રેખાઓની રચના કે ભાતનો ઉપયોગ થાય છે. | 1. આ પદ્ધતિમાં આંખની કીકીની આસપાસ સ્નાયુની રચનાનો ઉપયોગ થાય છે. |
2. આ પદ્ધતિમાં ‘ફિંગર-પ્રિન્ટ રીડર’ નામના સાધનનો ઉપયોગ થાય છે. | 2. આ પદ્ધતિમાં ‘આઇરિસ રેકગ્નિશન સિસ્ટમ’નો ઉપયોગ થાય છે. |
3. આ પદ્ધતિમાં હાઇ રિઝોલ્યુશન કૅમેરાની જરૂર નથી પડતી. | 3. આ પદ્ધતિમાં હાઇ રિઝોલ્યુશન કૅમેરાની જરૂર પડે છે. |
4. આજકાલ આ પદ્ધતિનો ઉપયોગ સરકારી, ફોરેન્સિક તથા વાણિજ્યિક વિભાગમાં થાય છે. | 4. આજકાલ આ પદ્ધતિનો ઉપયોગ ATM મશીનમાં, ચોરી રોકવાનાં સાધનોમાં, વિમાન ઉડ્ડયનની સલામતીમાં તથા બાયોમૅટ્રિક-કી ક્રિપ્ટોગ્રાફીમાં થાય છે. |
પ્રશ્ન 6.
SaaS પદને ટૂંકમાં વર્ણવો.
ઉત્તરઃ
સૉફ્ટવેર એઝ એ સર્વિસ (Software as a Service – SaaS)
- આ મૉડેલ ધંધાકીય એકમોને સૉફ્ટવેર ખરીદવાની, પ્રસ્થાપિત કરવાની અને સૉફ્ટવેર કે હાર્ડવેરની જાળવણી કરવાની ઝંઝટમાંથી મુક્ત કરે છે.
- ધંધાકીય એકમો પોતાના ઉપયોગ માટેના સૉફ્ટવેર તૈયાર કરવાને બદલે ક્લાઉડ સેવાઓ પ્રદાનકર્તાને કિંમત ચૂકવીને સૉફ્ટવેર વાપરતા હોય છે.
- સેવા પ્રદાનકર્તા આવા સૉફ્ટવેરને પોતાના વેબ સર્વર પર મૂકે છે, જેથી સેવા લેનારને તેના કમ્પ્યૂટર પર આ સૉફ્ટવેર પ્રસ્થાપિત (Install) કરવાની જરૂર રહેતી નથી.
- આ બધા માટે તેમની પાસે ફક્ત ઇન્ટરનેટ જોડાણની જરૂર પડે છે.
- ઉદાહરણ : ‘કસ્ટમર રિલેશનશિપ મૅનેજમેન્ટ’ (CRM) સૉફ્ટવેર માટે Salesforce.com સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્લાઉડ સેવા છે.
- આકૃતિ 13.6માં Salesforce.comનું હોમ પેજ દર્શાવેલ છે.
પ્રશ્ન 7.
Paas પદને ટૂંકમાં વર્ણવો.
ઉત્તરઃ
પ્લૅટફૉર્મ એઝ એ સર્વિસ (Platform as a Service- PaaS)
- આ મૉડેલમાં સેવા પ્રદાનકર્તા સૉફ્ટવેર તૈયા૨ ક૨વા માટે જરૂરી એવી નેટવર્ક, સર્વર, સંગ્રહ (સ્ટોરેજ) અને અન્ય તમામ સેવાઓ પૂરી પાડે છે.
- આ મૉડેલ, સૉફ્ટવેર તૈયાર કરવા ઉપયોગી એવા હાર્ડવેર અને સૉફ્ટવેરને ખરીદવાના અને જાળવણીના ખર્ચ અને ઝંઝટ વગર સૉફ્ટવેરની સ્થાપના / વિસ્થાપના કરવાની (Development of Software) સવલત પૂરી પાડે છે.
- અહીં ધંધાકીય એકમ તરીકે સામાન્ય રીતે, કોઈ સૉફ્ટવેર કંપની હોય છે, જે ક્લાઉડ સેવા પ્રદાનકર્તા પાસેથી સૉફ્ટવેર ટૂલ્સ / લાઇબ્રેરીનો ઉપયોગ કરી સૉફ્ટવેર તૈયાર કરે છે.
- આકૃતિ 13.7માં આવી કેટલીક કંપનીઓની ઝલક દર્શાવેલ છે.
પ્રશ્ન 8.
NAS અને SAN વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
નેટવર્ક ઍટેચ્ડ સ્ટોરેજ (Network Attached Storage – NAS)
- નેટવર્ક ઍટેચ્ડ સ્ટોરેજ (NAS) એટલે નેટવર્ક સાથે જોડાયેલ સંગ્રહ-વ્યવસ્થા. તે હાર્ડ ડિસ્કની સંગ્રહ અંગેની તંત્ર વ્યવસ્થા (Harddisk Storage Mechanism) છે,
- એટલે કે કોઈ વ્યક્તિના કમ્પ્યૂટર સાથે સીધું લગાડવાને બદલે તેને તેનું પોતાનું એક નેટવર્ક ઍડ્રેસ આપવામાં આવે છે.
- આકૃતિ 13.10માં NAS ના અમલનું લાક્ષણિક દૃશ્ય દર્શાવેલ છે.
- NAS ડિવાઇસમાં ટેરાબાઇટ સ્ટોરેજ ક્ષમતાવાળી એક અથવા ઘણી બધી હાર્ડ ડિસ્ક હોય છે. તે ‘લોકલ એરિયા નેટવર્ક સાથે જોડાયેલ હોય છે. અને તેને એક અજોડ IP ઍડ્રેસ આપવામાં આવે છે.
- ઉપયોગકર્તા જ્યારે મુખ્ય સર્વર પાસેથી કોઈ એક ચોક્કસ ફાઈલ માગશે ત્યારે મુખ્ય સર્વર દ્વારા ફાઈલ માટેની ઉપયોગકર્તાની વિનંતી ચકાસવામાં આવશે અને જો તે અધિકૃત હશે. તો તેને ફાઈલ મોકલી આપવામાં આવશે. આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે.
- NAS પદ્ધતિમાં સંગીત, ચલચિત્રો, છબીઓ અને અન્ય ફાઈલોને લગતો આપણો ડેટા આપણે કોઈ એક અનુકૂળ સ્થળેથી ઝડપથી અને સરળતાથી સંગ્રહી શકીએ છીએ અને અન્ય લોકોને વહેંચી શકીએ છીએ.
- આ સંસાધનોનો ઉપયોગ લૅપટૉપ, ડિજિટલ કૅમેરા અથવા સ્માર્ટ ફોન દ્વારા પણ કરી શકાય છે.
સ્ટોરેજ એરિયા નેટવર્ક (Storage Area Network – SAN)
- સ્ટોરેજ એરિયા નેટવર્ક (Storage Area Network – SAN) તે સંગ્રહ માટેનું સમર્પિત નેટવર્ક (Dedicated Network) છે. તે એકત્રિત કરેલ બ્લૉક સ્તરના ડેટાસંગ્રહનો ઉપયોગ પ્રદાન કરે છે.
- SANનો મુખ્ય ઉદ્દેશ, ઍપ્લિકેશન સર્વરને જુદાં જુદાં સંગ્રહ-સાધનો જેવાં કે હાર્ડ ડિસ્ક સમૂહ, ટેપનો સમૂહ અને ઑપ્ટિકલ સંગ્રહ સાધનો વગેરેનો એકસરખો ઉપયોગ પૂરો પાડવાનો છે.
- આકૃતિ 13.11માં SAN નું લાક્ષણિક દૃશ્ય રજૂ કરેલ છે.
નોંધ : SAN એ લોકલ એરિયા નેટવર્કનો જ એક પ્રકાર છે, કે જે મોટા પાયે ડેટાની હેરફેરનું સંચાલન કરવા તૈયાર કરવામાં આવે છે. તે ડેટા-સંગ્રહ, ડેટાની પુનઃપ્રાપ્તિ અને પ્રતિકૃતિઓ તૈયાર કરવા જેવાં કાર્યો કરવા દે છે.
પ્રશ્ન 9.
વ્યક્તિ માટે ઑનલાઇન ડેટાસંગ્રહ કેવી રીતે ફાયદાકારક છે?
ઉત્તરઃ
ઑનલાઇન સ્ટોરેજ વિકલ્પો (Online Storage Options)
- ક્લાઉડ કમ્પ્યુટિંગની શોધની સાથે જ આપણને ઑન- લાઇન સંગ્રહ માટેની સુવિધા પણ મળી. ઑનલાઇન સંગ્રહની સુવિધાનો ઉપયોગ અંગત તેમજ ધંધાના હેતુ માટે પણ કરી શકાય છે.
- ઑનલાઇન સંગ્રહ સુવિધા આપણને જ્યારે ડેટા બૅક-અપ રાખવાનું અને આપણા ડેટાનો ગમે ત્યાંથી ઉપયોગ કરવાની જરૂર હોય ત્યારે મદદરૂપ બને છે.
- આ સુવિધાનો મોટામાં મોટો ફાયદો એ છે કે આપણે દુનિયાના કોઈ પણ સ્થળેથી, કોઈ પણ સાધન વડે આપણા આ ડેટાનો ઉપયોગ કરી શકીએ છીએ. ફક્ત ઇન્ટરનેટની સગવડ હોવી જરૂરી છે.
- નિ:શુલ્ક (Free) ઑનલાઇન સંગ્રહ વિકલ્પો : Google Drive, A Drive, Microsoft Live, Sky-Drive, 4 Shared, Mozy, Dropbox, Box, Media Fire, Ubuntu One, Div Share વગેરે છે.
- ભાડેથી ઉપલબ્ધ (Paid) ઑનલાઇન સંગ્રહવિકલ્પો I Backup અને Amazon S3 છે.
પ્રશ્ન 10.
કમ્પ્યૂટર અંકુશિત સાધનોનો ઉપયોગ થતો હોય, તેવાં કેટલાંક વિનિયોગ ક્ષેત્રોની યાદી આપો.
ઉત્તરઃ
કમ્પ્યૂટર અંકુશિત (નિયંત્રિત) સાધનોનો ઉપયોગ થતો હોય તેવા કેટલાંક વિનિયોગ ક્ષેત્રોની યાદી નીચે મુજબ છે :
- બુદ્ધિશાળી ઘર (Intelligent Home)
- લશ્કરી વિનિયોગ (Military Applications)
- ખેતી અને પશુપાલન (Farming and Animal Husbandry)
- વાહન-ઉદ્યોગ (Vehicle Industry)
- ઇસ્પિતાલો (Hospitals)
- આપત્તિ-વ્યવસ્થાપન (Disaster Management)
- બાહ્ય અંતરિક્ષ અભિયાન (Outer Space Expedition)
- મનોરંજન (Entertainment)
Computer Class 11 GSEB Notes Chapter 13 તાજેતરના પ્રવાહો અને ટેક્નોલૉજી
પરિચય (Introduction)
- આજના યુગમાં ટેક્નોલૉજી માનવજીવનનો એક અંતર્ગત ભાગ બની ગઈ છે. માનવજીવનનું કોઈ પણ પાસું તેની અસરથી પ્રભાવિત થયા વિનાનું નથી.
- આજના યુગમાં ટેક્નોલૉજી બદલાવાની ગતિ અભૂતપૂર્વ છે.
- આ પ્રકરણમાં આપણે કેટલીક આધુનિક અને ઊભરતી ટેક્નોલૉજી વિશે સમજીશું.
કમ્પ્યુટિંગ ક્ષેત્રે ઊભરતો પ્રવાહ (Emerging Trends in Computing)
- કમ્પ્યૂટરના ઉપયોગ દ્વારા કરવામાં આવતી ક્રિયાને ‘કમ્પ્યુટિંગ’ કહેવામાં આવે છે.
- કમ્પ્યૂટરના વિવિધ પ્રકારો નીચે મુજબ છે :
- સુપર કમ્પ્યૂટર
- મેઇન ફ્રેમ કમ્પ્યૂટર
- મિનિ કમ્પ્યૂટર
- માઇક્રો કમ્પ્યૂટર
- મોબાઇલ કમ્પ્યૂટર
ઉપર જણાવેલ કમ્પ્યૂટરના પ્રકારમાંથી પ્રથમ ચાર પ્રકારનાં કમ્પ્યૂટરને કાર્યરત રાખવા માટે ખાસ્સી એવી જગ્યાની જરૂર પડે છે. જ્યારે મોબાઇલ કમ્પ્યૂટરને ખૂબ ઓછી જગ્યાની જરૂર પડે છે.
- મોબાઇલ કમ્પ્યૂટરોએ કમ્પ્યૂટરના ઉપયોગો બાબતે ક્રાંતિ આણી છે.
- લૅપટૉપ કમ્પ્યૂટર અને વાયરલેસ કમ્યૂનિકેશન સિસ્ટમને લીધે ચલાયમાનતા (Mobility) પર મોટી અસર પડી છે.
- નીચેની સવલતોની શોધથી કમ્પ્યુટિંગ ક્ષેત્રે ચિત્ર સંપૂર્ણ- પણે બદલાઈ ગયું છે :
- PDA (પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ)
- બ્લ્યૂ-ટૂથ (Bluetooth)
- વાઇ-ફાઇ (Wi-fi)
- GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)
- GSM (ગ્લોબલ સિસ્ટમ ફૉર મોબાઇલ કમ્યૂનિકેશન)
- CDMA (કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ)
- GPRS (જનરલ પૅકેટ રેડિયો સર્વિસ)
- 3G (થર્ડ જનરેશન)
- આ ટેક્નોલૉજીએ નેનો-ટેક્નોલૉજીની સાથે સૂક્ષ્મ સાધનોનો વિકાસ કર્યો છે.
- સ્માર્ટ ફોન અને ટૅબ્લેટ્સ (Tablets) એ આ યુગની મહાન શોધ છે.
મોબાઇલ કમ્પ્યુટિંગ (Mobile Computing)
- કોઈ એક લાક્ષણિક મોબાઇલ કમ્પ્યુટિંગ સાધનમાં ત્રણ પ્રાથમિક ભાગ હોય છે :
- હાર્ડવેર (Hardware)
- સૉફ્ટવેર (Software)
- પ્રત્યાયન (Communication)
- આજનાં મોબાઇલ સાધનો આંતરપ્રસ્થાપિત (ઇન- બિલ્ટ) ઑપરેટિંગ સિસ્ટમ અને કેટલાક ઉપયોગી સૉફ્ટવેર (ઍપ્લિકેશન સૉફ્ટવેર) સાથે જ મળે છે.
- મોબાઇલ ઑપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ ઍન્ડ્રોઇડ (Android), iOS સિમ્બિયન (Symbian) છે.
- મોબાઇલમાં ઉપલબ્ધ ઍપ્લિકેશન આપણને રમતો, સંવાદી (ઇન્ટરૅક્ટિવ) પ્રોગ્રામ, અખબારોના લખાણ, પુસ્તકો, સામયિકો વગેરેને ડાઉનલોડ કરવામાં મદદરૂપ થાય છે.
- મોબાઇલ સાધનો હવે સર્વવ્યાપી બન્યા છે અને વિશ્વના લગભગ દરેક વિસ્તારમાં પહોંચી રહ્યાં છે. આ મોબાઇલ સાધનોની મદદથી આપણે કોઈ એક ચોક્કસ જગ્યાએ બંધાઈ જવાને બદલે ગમે ત્યાંથી આપણે આપણા કામને આગળ ધપાવી શકીએ છીએ.
- વાઇ-ફાઇ અને 3G જેવી વિસ્તૃત દૂરસંચાર નેટવર્ક (Wide-area Telecommunications Network) ટેક્નોલૉજીના ટેકાને કારણે મોબાઇલ કમ્પ્યુટિંગ પ્રવાહને અદ્ભુત સફળતા મળી છે.
- વાઇ-ફાઇ અને 3G ટેક્નોલૉજી આપણને વિશ્વના કોઈ પણ ખૂણેથી બાકીના સમગ્ર વિશ્વ સાથે જોડાવાની તક આપે છે.
- તે આપણને વર્લ્ડ વાઇડ વેબ (www) સાથે સંપર્ક બનાવી અઢળક માહિતીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે.
- આજના મોટા ભાગના મોબાઇલ નેટવર્કમાં નીચે મુજબની કેટલીક ચોક્કસ સવલતો મળે છે :
- શૉર્ટ મેસેજ સર્વિસ (SMS)
- જનરલ પૅકેટ રેડિયો સર્વિસ (GPRS)
- મલ્ટિમીડિયા મેસેજિંગ સર્વિસ (MMS)
- બ્લ્યૂ-ટૂથ (Bluetooth) અને
- તારલેસ ઍપ્લિકેશન પ્રોટોકૉલ (WAP)
વાઇ-ફાઇ (Wi-Fi)
- વાઇ-ફાઇ એ તાર વિનાનો (વાયરલેસ) નેટવર્ક પ્રોટોકૉલ છે.
- જે સાધનમાં વાઇ-ફાઇની સવલત હોય તે સાધન ભૌતિક રીતે કૅબલથી જોડાયા વગર પણ માહિતીની આપ-લે કરી શકે છે.
- 802.11 IEEE નેટવર્ક સ્ટાન્ડર્ડ પર આધારિત સ્થાનિક (લોકલ) તારલેસ (વાયરલેસ) નેટવર્ક પ્રોટોકૉલ માટે વપરાતો શબ્દ છે.
- 802.11a, 802.11b, 802.11o અને 802.11n એ વાઇ-ફાઇનાં જુદાં જુદાં ધોરણો છે કે જે માન્ય ડેટા- રેટ (Data Rate) અને સંકેતો પહોંચાડી શકવાનાં અંતર બાબતે ભિન્નતા ધરાવે છે, જે નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે :
વાઇ-ફાઇ પ્રોટોકૉલ | ડેટા-રેટ | સંકેતો પહોંચવાની મર્યાદા |
802.11a | 6 M bits /s થી
54 M bits/s (સૌથી નીચો) |
120 મીટર |
802.11n | 15 M bits/s થી
150 M bits / s (સૌથી ઊંચો) |
250 મીટર |
જનરલ પૅકેટ રેડિયો (GPRS)
- ‘પૅકેટ સ્વિચ ટેક્નોલૉજી'(Packet Switched Technology)ને કારણે ડા-ત્યાપન યિ-કમ્યુનિકેશન શક્ય બનવાને લીધે મોબાઇલની ઉપયોગિતા ખૂબ વધી ગઈ છે.
- મોબાઇલ ફોન દ્વારા ઇન્ટરનેટ જોડાણ સ્થાપવા માટે આ ટેક્નોલૉજી ઉપયોગી છે.
- મૂળભૂત રીતે, કોઈ પણ નેટવર્ક જોડાણ જે અવાજ અથવા શાબ્દિક સંદેશ નથી. તે GPRS જેવા ડેટા જોડાણનો ઉપયોગ કરે છે. તે સર્કિટ સ્વિચ્ડ ટેક્નોલૉજી કરતાં દસ ગણી વધુ ઝડપ આપે છે.
- સૈદ્ધાંતિક રીતે નિર્ધારિત ઝડપ 115 K bits/s છે, જોકે વ્યવહારમાં ઝડપ 30 – 40 kbpsની આસપાસ મળે છે.
3G અને 4G
- 3G અને 4G પદ એ મોબાઇલ કમ્યૂનિકેશન સ્ટાન્ડર્ડ છે.
- 1G એટલે કે First Generation સેવા એનેલૉગ (Analog) સિગ્નલ પર આધારિત હતી. તે 19.2 kbps (કિલોબાઇટ ૫૨ સેકન્ડ) જેટલી ડેટાઝડપ (Data speed) આપતી હતી.
- 2G એટલે કે Second Generation સેવા ડિજિટલ (Digital) સિગ્નલ પર આધારિત હતી. તે 1.2 Mbps (મેગાબાઇટ ૫૨ સેકન્ડ) જેટલી ડેટાઝડપ (Data speed) આપતી હતી.
- હાલમાં આપણે 3G (Third Generation) અને 4G (Fourth Generation) સેવાઓનો ઉપયોગ કરીએ છીએ.
- 3G સેવા 3 Mbps (મેગાબાઇટ પર સેકન્ડ) જેટલી ઝડપ પ્રદાન કરે છે. તે ઉપરાંત તે શક્તિશાળી મલ્ટિમીડિયા સેવા પણ પ્રદાન કરે છે.
- કોઈ પણ સંસ્થાને ‘ઑનલાઇન બિલિંગ સિસ્ટમ’ અને ‘વીડિયો-કૉન્ફરન્સિંગ’ જેવા ઉપયોગી પ્રોગ્રામ તૈયાર કરવા 3G સેવા ખૂબ ઉપયોગી છે.
- 3G સેવા ભરપૂર ગ્રાફિક્સ અને ઍનિમેશન ધરાવતી લોકપ્રિય મોબાઇલ રમતો માટે પણ મંચ પૂરા પાડે છે.
- 3G ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને મોબાઇલ ટીવી, તત્કાલ સંદેશા (Instant messaging) અને વીડિયો ચર્ચા (Video chatting) માટેના પ્રોગ્રામ તૈયાર કરવાનું શક્ય બને છે.
- 4G નેટવર્ક વીડિયો અને ચલચિત્રને 3Gની સરખામણીએ ઘણી વધુ ઝડપે દર્શાવવા જેવી આધુનિક મોબાઇલ સેવાઓ પ્રદાન કરે છે.
- સૈદ્ધાંતિક રીતે 4G સેવા 100 Mbps (મેગાબાઇટ પર સેકન્ડ) સુધીના ડેટા ડાઉનલોડ કરવાની અને 50 Mbps (મેગાબાઇટ પર સેકન્ડ) જેટલો ડેટા અપલોડ કરવાની ઝડપ આપી શકે છે.
- 4G નેટવર્ક હજુ બાલ્યાવસ્થામાં છે. ભવિષ્યમાં તેનો વિસ્તાર ખૂબ ઝડપથી વિસ્તરશે.
બ્લ્યૂ-ટૂથ (Bluetooth)
- એક મોબાઇલથી અન્ય મોબાઇલ વચ્ચે ડેટાની આપ-લે માટે SMSનો ઉપયોગ કરી શકાય, પરંતુ તેનો ખર્ચ થતો હોય છે. આ મર્યાદાનો અંત લાવવા માટે બે મોબાઇલ વચ્ચે ટૂંકા અંતરેથી ડેટાની આપ-લે કરવા માટે વાયરલેસ એવી બ્લ્યૂ-ટૂથ નામની આશીર્વાદરૂપ ટેક્નોલૉજી ઉપલબ્ધ બની છે.
- બ્લ્યૂ-ટૂથ પ્રત્યાયન (Communication) માટેના ISM (Industrial, Scientific and Medical) બૅન્ડમાં શૉર્ટ વેવલેન્થ રેડિયો ટ્રાન્સમિશનનો ઉપયોગ કરે છે.
- બ્લ્યૂ-ટૂથ ટેક્નોલૉજી આપણને ઉચ્ચ સ્તરની સુરક્ષાવાળી પર્સનલ એરિયા નેટવર્ક (Personal Area Network – PAN) રચવામાં મદદરૂપ થાય છે.
- બ્લ્યૂ-ટૂથનો સૌપ્રથમ વિચાર એરિક્સન (Ericsson) દ્વારા કરવામાં આવ્યો હતો.
- બ્લ્યૂ-ટૂથ એ એક નાની અને સસ્તી રેડિયો ચીપ હોય છે. જે કમ્પ્યૂટર, પ્રિન્ટર, મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રૉનિક સાધનોમાં લગાવી શકાય છે.
- બ્લ્યૂ-ટૂથ ચીપ, એક ખાસ ફ્રીક્વન્સી (Frequency) પર ડેટાને મેળવનાર બ્લ્યૂ-ટૂથ તરફ પ્રસારિત કરે છે. મેળવનાર ચીપ કમ્પ્યૂટરને, મોબાઇલ ફોનને અથવા અન્ય કોઈ પણ સંલગ્ન સાધનને આ માહિતી આપે છે.
- આકૃતિ 13.1માં બ્લ્યૂ-ટૂથનો લૉગો દર્શાવેલ છે. આ
લૉગો કોઈ પણ સાધન ઉપર હોય તેનો અર્થ એ થાય કે તે સાધન બ્લ્યૂ-ટૂથ ડેટા પ્રત્યાયન માટે સક્ષમ છે.
સ્માર્ટ ફોન અને ટૅબ્લેટ્સ (Smartphones and Tablets)
- સ્માર્ટ ફોન એ એક એવું સાધન છે કે જે આપણને ફોન કૉલ કરવાની સુવિધા તો આપે જ છે. આ ઉપરાંત નીચે દર્શાવેલ કેટલીક વધારાની સુવિધાઓ પણ આપે છે :
- પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ (PDA) કરવા.
- ઇ-મેઇલ મોકલવા અને મેળવવા
- Officeના દસ્તાવેજને સુધારવા
- મોબાઇલ ઍપ્સ(Applications)નો ઉપયોગ
- રમતો રમવા
- રેડિયો સાંભળવા
- ચલચિત્રો જોવા
- ફોટા ખેંચવા તથા સુધારવા
- GPS દ્વારા વાહન ચલાવવાની દિશા મેળવવા
- તત્કાલ સંદેશા મોકલવા
- Wi-Fi ઉપરાંત બ્લ્યૂ-ટૂથની સુવિધા
- ગીતો વગાડવા માટેની ક્રમયાદી (Playlist) બનાવવા વગેરે.
- સ્માર્ટ ફોનમાં ઑપરેટિંગ સિસ્ટમ ઉપલબ્ધ બની છે. તેમજ મોબાઇલ સ્ક્રીન પર આંગળીનો સ્પર્શ (Touch) કરીને જરૂરી કાર્ય કરી શકાય છે તથા લગભગ કમ્પ્યૂટર જેવી બધી જ સવલત ઉપલબ્ધ બની છે.
- સ્માર્ટ ફોનની એક જ ખામી કહી શકાય કે તેની સ્ક્રીન નાની છે.
- આકૃતિ 13.2માં સ્માર્ટ ફોન તથા ટૅબ્લેટ દર્શાવલ છે.
- ટૅબ્લેટ (વાંચવા લખવાની પાટી) એ પૉર્ટેબલ અને મોબાઇલ કમ્પ્યુટિંગ સાધન છે.
- ટૅબ્લેટમાં મોબાઇલના પ્રમાણમાં મોટી સ્ક્રીન હોય છે.
- ટૅબ્લેટમાં ટાઇપિંગ કરવા માટે સ્ક્રીન પર દૃશ્યમાન થતાં આભાસી કી-બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
- ઘણી વાર કી-બોર્ડને બદલે સ્ટાઇલસ પેન (Stylus Pen) અથવા ડિજિટલ પેન (Digital pen) પણ ઉપયોગમાં લેવાતી હોય છે.
- ટૅબ્લેટ એવા બધા જ કાર્ય કરી શકે છે કે જે કાર્ય મોબાઇલ અને કમ્પ્યૂટર દ્વારા કરી શકાતા હોય છે.
સૅટેલાઇટ ફોન (Satellite Phone)
- સેલ્યુલ૨ મોબાઇલ ટેક્નોલૉજીની મુખ્ય સમસ્યા છે નેટવર્ક ઉપલબ્ધ ન હોવાની (Network not available). એટલે કે મોબાઇલ ફોન સેલ્યુલર ટાવરની હદમાં હોવો જરૂરી છે.
- પરંતુ દરિયામાં તેલ શોધીને બહાર કાઢવાનું કામ કરતી કોઈ સંસ્થાના સભ્યોનો કાર્ય દરમિયાન આપણે સંપર્ક કેવી રીતે કરી શકીએ? કારણ કે દરિયા વચ્ચે મોબાઇલનાં ટાવર ઊભા કરવા માટેની કોઈ વ્યવસ્થા આપણી પાસે નથી. આથી આપણે કોઈ સંપર્ક કરી શકીએ નહીં.
- ઉપગ્રહ પ્રત્યાયન ટેક્નોલૉજી (સૅટેલાઇટ કમ્યૂનિકેશન ટેક્નોલૉજી) અને સૅટેલાઇટ ફોન એ આવી સમસ્યાનું સમાધાન છે.
- સૅટેલાઇટ ફોન એ એક જાતનો મોબાઇલ ફોન જ છે. તે સામાન્ય રીતે સૅટ ફોન(Sat-phone)ના નામે ઓળખાય છે.
- સૅટેલાઇટ ફોન ધરતી પર આવેલા સેલ્યુલર ટાવર સાથે સંપર્ક ક૨વાને બદલે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા કમ્યૂનિકેશન ઉપગ્રહ સાથે સંપર્ક કરે છે.
- સૅટ ફોન ધ્વનિસંદેશા, શાબ્દિક સંદેશા મોકલવાની સેવા અને નીચા બૅન્ડવિડ્થ (Bandwidth) સાથેની ઇન્ટરનેટ ઉપયોગની સુવિધા પ્રદાન કરે છે.
- આકૃતિ 13.3માં સૅટેલાઇટ ફોન દર્શાવેલ છે.
- સૅટેલાઇટ ફોનનો ઉપયોગ સરકાર દ્વારા નિયંત્રિત હોય છે. ભારતમાં જો આપણે સૅટેલાઇટ ફોનનો ઉપયોગ કરવો હોય, તો ભારત સરકાર પાસેથી ખાસ પરવાનગી મેળવવી પડે.
- નીચે બે પ્રખ્યાત સૅટેલાઇટ ફોન ઑપરેટર વિશે માહિતી આપેલ છે :
- Inmarsat : આ જૂનામાં જૂનો સૅટેલાઇટ ફોન ઑપરેટર છે. તેણે તેની સેવાઓ વહાણો માટે પ્રદાન કરી હતી.
- Thuraya : તેના શક્તિશાળી ઉપગ્રહ દુનિયાની કુલ વસ્તીના બે તૃતીયાંશ લોકોને સૅટેલાઇટ ફોનના ઉપયોગ દ્વારા પ્રત્યાયન કરવા સક્ષમ બનાવે છે. તે યુરોપ, આફ્રિકા, એશિયાના મધ્ય પૂર્વ પ્રદેશો અને ઑસ્ટ્રેલિયામાં ઉપગ્રહ પ્રત્યાયનના ઉકેલ પૂરા પાડે છે.
- મોબાઇલ ફોનની સરખામણીમાં સૅટ ફોનના ઉપયોગની કિંમત ઊંચી છે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ (Cloud Computing)
ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ (Infrastructure as Service – IaaS)
- આ મૉડેલ ધંધાકીય એકમોને ક્લાઉડ સેવારૂપે હાર્ડવેરની જુદી જુદી ક્રિયાઓ જેવી કે, ગણતરીઓ, સંગ્રહ, છાપકામ, બૅક-અપ, નેટવર્ક વગેરેનો ઉપયોગ કરવાની સવલત આપે છે.
- ધંધાકીય એકમ પોતાનાં ભૌતિક સાધનો વસાવવાને બદલે ક્લાઉડ સેવા પ્રદાનકર્તા પાસેથી હાર્ડવેર-ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાડાની સેવારૂપે ઉપયોગ કરે છે.
- સેવા પ્રદાનકર્તા તમામ સાધનોની માલિકી ધરાવે છે અને તેને રાખવા, ચલાવવા કે જાળવણી માટે જવાબદાર છે.
ઉદાહરણ :- Windows Azure Virtual Machines,
- Google Compute Engine
- HP Cloud વગેરે.
માનવ / વસ્તુની પરખ માટે ઊભરતા પ્રવાહો (Emerging trends in Object/Human Recognition)
- કમ્પ્યુટિંગ ક્ષેત્રની સમસ્યાઓ પૈકીની એક મોટી સમસ્યા, કોઈ ચોક્કસ કમ્પ્યુટિંગ અથવા સેન્સર (Sensor) જેવી વસ્તુઓની પરખ અંગેની છે.
- આ વિભાગમાં આપણે કોઈ પણ વસ્તુ(Object)ને ઓળખવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક ટેક્નિક જેવી કે,
– રેડિયો ફ્રીક્વન્સી પરખ (Radio Frequency Identification – RFID)
– બાયોમૅટ્રિક્સ (Biometrics)
– વૈશ્વિક સ્થાનનિર્ધારણ પદ્ધતિ (Global Positioning System – GPS)
– અવાજ પરખ (Speech Recognition) વિશે શીખીશું.
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)
- ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) એ સ્થિતિ-સ્થાન શોધતા વિનિયોગ (નૅવિગેશન ઍપ્લિકેશન) માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે.
- આ પદ્ધતિ U.S. Department of Defense દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
- ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(GPS)માં પૃથ્વીની ઉપર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવેલા 24 ઉપગ્રહોના નેટવર્કનો સમાવેશ થાય છે.
- GPS શરૂઆતમાં લશ્કરી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ 1980 માં સરકાર દ્વારા આ પદ્ધતિ નાગરિકો માટે પણ ઉપલબ્ધ બનાવાઈ.
- GPSના સંદેશા ઝીલી શકે તેવું GPS રિસીવર ધરાવતું કોઈ પણ સાધન આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. આજકાલ બજારમાં ઉપલબ્ધ મોટા ભાગના સ્માર્ટ ફોન GPS રિસીવર ધરાવતા જ હોય છે. કોઈ પણ વ્યક્તિ GPS નું ઉપયોગ કરતું ઍપ્સ (Apps) ડાઉનલોડ કરીને સ્થિતિ-સ્થાન નિર્દેશ માટે મદદ મેળવી શકે છે.
- GPS નો ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાને હાલ કોઈ ખર્ચ ચૂકવવો પડતો નથી.
- GPS ટેક્નોલૉજી નીચેના વિનિયોગો માટે ઉપયોગી છે :
- વહાણો / વિમાનોની ભાળ મેળવવા
- સેલ્યુલર ટેલિફોન વ્યવસ્થામાં
- આપત્તિ-રાહત અને આપાતકાલીન સેવાઓમાં
- રૉબોટિક્સમાં
- ખેતીવિષયક ઉપયોગોમાં
- લશ્કરને લગતા વિનિયોગમાં
- વહાણ દ્વારા કે અન્ય રીતે મોકલાવેલ માલની ભાળ મેળવવા
- ખોવાયેલ મિલકતો શોધી કાઢવા માટે
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ(GPS)ની કાર્ય-પદ્ધતિ :
- કોઈ પણ વસ્તુના સ્થાનને એકદમ બરાબર શોધી કાઢવા GPS ઉપગ્રહ તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં દિવસમાં બે વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને પૃથ્વી પર તેના સંકેતો મોકલી આપે છે.
- GPS રિસીવર આ માહિતી મેળવે છે અને ‘ટ્રાયસ્ટ્યુલેશન’ નામની પ્રક્રિયા દ્વારા વસ્તુના એકદમ સચોટ સ્થાનની ગણતરી કરે છે.
- માત્ર અક્ષાંશ અને રેખાંશની ગણતરી માટે GPS રિસીવર ઓછામાં ઓછા ત્રણ ઉપગ્રહનો ઉપયોગ કરે છે.
- અક્ષાંશ અને રેખાંશ ઉપરાંત ઝડપ, વર્તણૂક, ધરી, પ્રવાસ ફેરાનું અંતર, સ્થળનું અંતર, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય વગેરે માહિતી મેળવવા GPS રિસીવર ચાર કે વધુ ઉપગ્રહ સાથે જોડાય તે જરૂરી છે.
- GPS ટેક્નોલૉજીના કેટલાક રસપ્રદ વિનિયોગ નીચે કોષ્ટક 2 માં દર્શાવેલ છે :
કોષ્ટક 2
ક્ષેત્ર | ઉપયોગો |
(1) ખેતી | – વિસ્તારની માપણી, ડિજિટલ ખેતીવિષયક નકશા તથા જમીન માલિકીના નકશા તૈયાર કરવા |
(2) આપત્તિ-વ્યવસ્થાપન | – શોધ અને બચાવ કામગીરી માટે
– ભૂલા પડેલા પગપાળા યાત્રીઓ, ખોવાયેલા સાહસિક પ્રવાસીઓ, કાટમાળમાં દટાયેલા લોકો શોધવા અથવા પાણીમાં ગરકાવ થયેલા લોકોને શોધવા |
(3) લશ્કરને લગતા | – લક્ષ્ય સ્થાન તથા વિમાનની સચોટ ઓળખ મેળવવા – નૌકાદળનાં વહાણોમાં – ઉપગ્રહ પર ભ્રમણકક્ષાના સચોટ ડેટા મેળવવા અને અવકાશયાનની દિશા નક્કી કરવા |
(4) માલ હેર-ફેરને લગતા | – ગ્રાહકને મોકલાવાયેલ માલ કે ટપાલ પહોંચેલ છે કે નહીં તેની દેખરેખ માટે કુરિયર સંસ્થામાં – પરિવહન સેવા ૫૨ દેખરેખ રાખવા તથા વાહન ક્યાં છે, તે સ્થાન જાણવા માટે |
(5) ખોવાયેલ મિલકત | – ખોવાયેલ કે ચોરાયેલ લૅપટૉપ કે મોબાઇલ ફોન જેવાં સાધનો કે વાહનોનું સચોટ સ્થાન જાણવા |
સંગ્રહ સાધનો અંગે નવતર પ્રવાહ (Modern Trend for Storage Devices)
- હાલના યુગમાં ઝડપી પ્રક્રિયા ક્ષમતા ધરાવતાં અદ્યતન મશીનોની ઉપલબ્ધતાને કારણે માહિતી-સંગ્રહ અંગેનું ચિત્ર બદલાઈ ગયું છે.
- આજકાલ આપણે ડેટાને સંગ્રહવા કે પછી માત્ર ડેટાનો બૅક-અપ લઈ રાખવા USB સમર્થિત બાહ્ય હાર્ડડ્રાઇવ-(External Harddisk)નો ઉપયોગ કરીએ છીએ. સર્વર પણ હવે ટેરાબાઇટના માપની સંગ્રહક્ષમતા ધરાવતા મળવા લાગ્યા છે. પરંતુ આવાં બાહ્ય સાધનોનું સંચાલન કરવું હંમેશાં અડચણરૂપ હોય છે.
હવે, આગળ આપણે ડેટા-સંગ્રહ સાધનો (Data Storage Device) અંગેના કેટલાક તાજેતરના પ્રવાહો (Modern Trend) વિશે અભ્યાસ કરીશું.
કમ્પ્યૂટર નિયંત્રિત સાધનો (Computer Controlled Devices)
- આજના યુગમાં દિવસેને દિવસે કમ્પ્યૂટર વધુ ચપળ અને વધુ બુદ્ધિમત્તાવાળાં બનતા જાય છે.
- સંસ્થાઓના સ્વયંસંચાલનમાં પહેલાં જે કાર્યો માણસોના સમૂહ દ્વારા થતાં હતાં તે હવે મશીનોથી થાય છે.
દા. ત., ઠંડા-પીણાની બૉટલો માણસો દ્વારા ભરવાને બદલે હવે બૉટલિંગ પ્લાન્ટ દ્વારા ભરાય છે. આવી જુદા જુદા માપની બૉટલો ભરવા પ્રોગ્રામ દ્વારા નિયંત્રિત મશીનોનો ઉપયોગ થાય છે. - કમ્પ્યૂટર હાર્ડવેર અને સૉફ્ટવેર ટેક્નોલૉજીના વિકાસ સાથે રૉબોટિક્સ(Robotics)નું ક્ષેત્ર પણ વિકાસ પામ્યું છે. → રૉબોટિક્સનો અભ્યાસ મુખ્યત્વે ગતિશીલ પરિસ્થિતિમાં સેન્સર અને એક્ચ્યુએટરના ઉપયોગ દ્વારા રૉબોટ કેવી અસરકારકતાથી કામ કરી શકે છે તે જાણવાનો છે.
- આજકાલ રૉબોટ કમ્પ્યૂટર દ્વારા નિયંત્રિત, સંપૂર્ણ સ્વયંસંચાલિત મિકેનિકલ અને ઇલેક્ટ્રૉનિક મેનિપ્યુલેટર (Manipulator) હોય છે.
- રૉબોટિક્સના વિનિયોગનાં કેટલાંક ક્ષેત્રોમાં રૉબોટનો કેવી રીતે ઉપયોગ થાય છે તે હવે આપણે સમજીએ.
બુદ્ધિશાળી ઘર (Intelligent Home)
- આજકાલ ઘરની સલામતી અને અન્ય આંતરિક કામગીરી સ્વયંસંચાલિત પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
- ઘરનાં બારી-બારણાં કોઈ ચોક્કસ ક્રિયા કે આદેશના આધારે આપમેળે ખોલી શકાય છે. ઉપરાંત ઇલેક્ટ્રૉનિક ઉપકરણો ચાલુ કરવા, બંધ કરવા અથવા આ ક્રિયાઓની વચ્ચે તેની ગોઠવણી બદલવા પહેલેથી તેનો પ્રોગ્રામ ગોઠવી શકાય છે.
- આ ટેક્નોલૉજીનો ઉપયોગ ઘરમાં આરામથી હરી-ફરી શકતી હોય તેવી અથવા પથારીવશ હોય તેવી વ્યક્તિ ખૂબ સહેલાઈથી કરી શકે છે.
લશ્કરી વિનિયોગ (Military Applications)
- આજના આધુનિક લશ્કરમાં હવામાં ઊડતો રૉબોટ (Airborne robot drones) ચાંપતા બંદોબસ્ત માટે ઉપયોગમાં લેવાય છે.
- આ હવામાં ઊડતો રૉબોટ પક્ષીના આકારનું અથવા બીજા કોઈ આકારનું નાનું ઊડતું યંત્ર હોય છે. જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કૅમેરા, સેન્સર અને માહિતીના આદાન-પ્રદાન માટે તેમજ નેટવર્કિંગ માટેનાં સાધનો લગાડેલાં હોય છે. તે કોઈ પણ વ્યક્તિ પાસેથી દેશ માટે રસના વિષય બાબતે કોઈ પણ વસ્તુના મોટા પ્રમાણમાં ડેટા ભેગો કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
ખેતી અને પશુપાલન (Farming and Animal Husbandry)
- ખેતી એ એક એવું ક્ષેત્ર છે, જેમાં રૉબોટિક્સની ચકાસણી માટેના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.
- આવા કેટલાક ઉપયોગોમાં જમીનની સ્થિતિ અનુસાર આપમેળે પાણી છોડવું, આપમેળે પાકની લણણી કરવી, ગાયોને દોહવી વગેરે છે.
વાહન-ઉદ્યોગ (Vehicle Industry)
- વાહન-ઉદ્યોગ આજકાલ સ્વયંસંચાલિત સાધનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તે કાર ઉત્પાદનની પ્રક્રિયામાં યાંત્રિક હાથનો ઉપયોગ કરે છે.
- રૉબોટ / યાંત્રિક હાથ વેલ્ડિંગ, કટિંગ, ઊંચકવાનો, જુદા તારવવાનો અને વાળવાનો વગેરે કામ કરી શકે છે.
- આજનાં વાહનો આધુનિક પ્રોસેસર સાથે ઉપલબ્ધ હોય છે. જેને લીધે આજનાં વાહનો અગાઉનાં વાહનો કરતાં વધુ ચપળ (સ્માર્ટ) બની ગયા છે.
- ઉપરાંત આજનાં વાહનોમાં GPS સિસ્ટમ પણ ઉપલબ્ધ હોય છે, જેના ઉપયોગથી કારને દિશા અંગેનાં ઘણાં બધાં કામોમાં મદદ પૂરી પડે છે.
ચાલક વિનાની કાર (Driverless Car) :
- ચાલક વિનાની કાર બનાવવામાં ગૂગલે (google) સફળતા હાંસલ કરી છે.
- ચાલક વિનાની કાર બનાવવાની ટેક્નોલૉજી બનાવવાની યોજનાને ગૂગલ દ્વારા પીઠબળ મળ્યું છે.
- નેવાડા (U. S. State of Nevada) દ્વારા 29મી જૂન, 2011ના રોજ નેવાડા અને કૅલિફોર્નિયામાં ચાલક વિનાની કારની ગતિવિધિઓ કરવા મંજૂરી આપતો કાયદો સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પસાર કરી દેવામાં આવ્યો.
- નેવાડાનો કાયદો 1, માર્ચ 2012ના રોજ અસ્તિત્વમાં આવ્યો.
- 2012ના મે મહિનામાં નેવાડાના મોટર-વાહન વિભાગે પ્રથમ સ્વયંસંચાલિત કાર માટે પહેલો પરવાનો (લાઇસન્સ) આપી દીધો.
- ચાલક વિનાની પ્રથમ કાર ગૂગલની ચાલક રહિત ટેક્નોલૉજીના પ્રયોગો સાથે સુધારેલી ‘ટોયોટા પ્રાયસ’ (Toyota Prius) છે.
- આકૃતિ 13.12માં ગૂગલની ચાલક રહિત કાર દર્શાવેલ છે.
- ચાલક રહિત કારની યોજના આગળ ધપાવવા; ટુકડી દસ વાહનોથી સજ્જ હતી. જેમાં
6 – ટોયોટા પ્રાયસ (Toyota Prius)
1 – ઑડી ટીટી (Audi TT) અને
3 – લેક્સસ Rx450h (Lexus Rx450h) હતી. - આ આખી પદ્ધતિ કારમાં સંગ્રહેલ સ્થાન-સ્થિતિ નિર્દેશ કરતો નકશો (Navigation Map) અને સેન્સર પર આધારિત છે.
ઇસ્પિતાલો (Hospitals)
- સ્વાસ્થ્ય સંભાળ પણ એક ક્ષેત્ર છે, જેમાં રૉબોટિક્સે લોકોના જીવન બચાવવામાં અને જીવનમાં સુધારો લાવવામાં ખૂબ મદદ કરી છે.
- એવું રૉબોટિક્સ સ્યૂટ તૈયાર કરવામાં આવ્યું છે કે જે દર્દીની પીઠને નુકસાન પહોંચાડ્યા વગર દર્દીને ઊંચકવામાં નર્સને સક્ષમ બનાવે છે.
- મગજમાં નાનાં નાનાં સેન્સરો સાથે જોડવામાં આવેલા રૉબોટિક અવયવોને બ્રેઇનગેટ કહે છે. તે ભૌતિક ફિલ્મને બદલે વ્યક્તિના વિચારો પર કાર્ય કરે છે.
- રૉબોટિક હાથ ચોકસાઈપૂર્વક શસ્ત્રક્રિયા પણ કરી શકે છે.
આપત્તિ-વ્યવસ્થાપન અને બાહ્ય અંતરિક્ષ અભિયાન (Disaster Management and Outer Space Expedition)
- રૉબોટ જ્વાળામુખી, ઊંડા દરિયા અને ચંદ્ર જેવા માનવજાતને નુકસાન કરી શકે તેવા વાતાવરણની પણ મુલાકાત લઈ શકે છે.
- ધરતીકંપ કે કુદરતી આપત્તિ સમયે પણ રૉબોટ ખૂબ ઉપયોગી પુરવાર થયા છે.
- ભારતીય અંતિરક્ષ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા ‘ચંદ્રયાન – 1’ નામનું માનવ રહિત ચંદ્રઅભિયાન હતું. જે ઑક્ટોબર 2008માં શરૂ કરવામાં આવ્યું હતું અને ઑગસ્ટ 2009 સુધી ચાલ્યું હતું.
- તેમાં રૉબોટિક્સનો બહોળો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રૉબોટિક્સની મદદથી ચંદ્ર ઉપર પાણી હોવાનું તારણ આ અભિયાન દ્વારા આપવામાં આવ્યું હતું.
મનોરંજન (Entertainment)
- મનોરંજન ઉદ્યોગમાં પણ રૉબોટિક્સનો ખૂબ ઉપયોગ થાય છે.
- પરસ્પર સંવાદ સાધી શકતો, શીખવાની ક્ષમતા અને વર્તણૂક પ્રદર્શિત કરતા રૉબોટ Sony અને Honda કંપની દ્વારા બનાવવામાં આવ્યા હતા.
- Sony કંપની દ્વારા બનાવવામાં આવેલ રૉબોટ QRIO (Quest for cuRIOsity). જેનું મૂળ નામ SONY Dream Robot. એ એક હ્યુમનૉઇડ (Humanoid) રૉબોટ હતું.
- Honda કંપની દ્વારા બનાવવામાં આવેલો HARBO નામનો રૉબોટ એકસાથે આવતા અનેક અવાજોને મેળવી તેને કોઈ પણ જાતની તકલીફ વગર જુદા તારવીને તેનું પૃથક્કરણ પણ કરી શકતો.
- આકૃતિ 13.13 (a)માં QRIO અને આકૃતિ 13.13 (b)માં HEARBO દર્શાવેલ છે.
- કૃત્રિમ બુદ્ધિમત્તા એ એક એવું ક્ષેત્ર છે કે જેના વડે કમ્પ્યૂટર દ્વારા નિયંત્રિત સાધનોના ઉપયોગને નોંધપાત્ર રીતે વિકસાવવામાં મદદરૂપ નીવડ્યું છે, જેને ટૂંકમાં AI (Artificial Intelligence) કહે છે.
- કૃત્રિમ બુદ્ધિમત્તાનો હેતુ કમ્પ્યૂટરમાં એવી ક્ષમતા ઊભી કરવાનો છે કે, જેથી તે જ્ઞાન મેળવી શકે અને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરી શકે.
- કમ્પ્યૂટરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ઉમેરવાનું એક સાદું ઉદાહરણ ચેસની રમતનો પ્રોગામ છે.
- કમ્પ્યૂટરમાં કૃત્રિમ બુદ્ધિમત્તા ઉમેરતા તે માણસની જેમ સમજદારીપૂર્વક વિચારતું થઈ જાય છે. તે કમ્પ્યૂટરને માણસની જેમ વિચારપૂર્વક વર્તવા તૈયાર કરે છે.
ડિજિટલ ફોટોગ્રાફીમાં ઊભરતા પ્રવાહો (Emerging Trends in Digital Photography)
- તસવી૨ ખેંચવાની કળાની શરૂઆત 1840માં થઈ હતી. પ્રથમ ફોટોગ્રાફિક છાપ મેળવવા વિલિયમ હૅનરી ફોક્સ ટાબોટે પ્રકાશ, કાગળ, થોડાં રસાયણો અને એક લાકડાના ખોખાને એકત્ર કર્યા હતા.
- ડિજિટલ કૅમેરા એ તસવીરક્લાને રાસાયણિક પ્રક્રિયામાંથી બહાર કાઢી સાંખ્યિક (Digital) પ્રક્રિયામાં પ્રવેશ કરાવ્યો.
- ડિજિટલ કૅમેરા પણ છબી તૈયાર કરવા પ્રકાશનો ઉપયોગ કરે છે. પરંતુ ડિજિટલ કૅમેરામાં છબીને સંગ્રહવા માટે પ્લાસ્ટિકના પટ્ટા ફિલ્મ)ને બદલે પિક્સેલની મૅટ્રિક્સ (Matrix of Pixels) સ્વરૂપે સાચવવામાં આવે છે.
- પિક્સેલની સંખ્યા જેમ વધુ તેમ છબી વધુ સ્પષ્ટ બને છે. તેથી જ ડિજિટલ કૅમેરાની વિશેષતાઓમાં આપણને 10 મેગાપિક્સેલ, 12 મેગાપિક્સેલ વગેરે દર્શાવવામાં આવે છે.
- તાજેતરમાં કૅમેરા સાથેના મોબાઇલ ફોનની શોધ થતા ડિજિટલ કૅમેરાના ઉપયોગ દ્વારા ડિજિટલ ફોટોગ્રાફીનું ચિત્ર બદલાઈ ગયું છે.
- મોબાઇલ ફોનના શરૂઆતના મૉડેલમાં 2 મેગાપિક્સેલના કૅમેરા મળતા હતા. જ્યારે 2012માં Nokia કંપનીએ 41 મેગાપિક્સેલવાળો કૅમેરા ધરાવતો મોબાઇલ ફોન બહાર પાડ્યો છે. તેના દ્વારા 7728 × 5354 સિઝોલ્યુશનની તસવીર મેળવી શકાય છે.
- સ્માર્ટ ફોનની તસવીર ખેંચવાની સુગમતા અને ઝડપથી તેને લોકો વચ્ચે વહેતી કરવાની ક્ષમતાને કારણે ડિજિટલ કૅમેરાઓને સ્માર્ટ ફોન સાથે તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડ્યો છે.
- આથી જ Samsung કંપનીએ ગૅલેક્સી (Galaxy) નામનો ઍન્ડ્રોઇડ (Android) આધારિત કૅમેરા બનાવ્યો છે.
- આકૃતિ 13.14માં સેમસંગ ગૅલેક્સી કૅમેરાનું આગળ તથા પાછળનું દૃશ્ય દર્શાવેલ છે.
- સેમસંગ ગેલેક્સી કૅમેરામાં નીચેની સગવડો સામેલ કરવામાં આવી છે :
- 3G અને Wi-FIને સમર્થન
- ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ નેટવર્ક સાથે જોડાઈ શકાય છે.
- કિંમતી ફોટાને ક્લાઉડ(Cloud)માં પણ સાચવી શકાય છે. આમ, આ કૅમેરાને ‘સ્માર્ટ કૅમેરા’ પણ કહી શકાય.
ઇન્ટરનેટ સમર્થિત ટેલિવિઝન (Internet Enabled Television)
- ટેલિવિઝનમાં પણ CRTથી LED એમ ધરખમ ટેક્નોલૉજિકલ બદલાવ આવ્યો છે. આજકાલ હવે આપણને સપાટ સ્માર્ટ (Flat smart) ટેલિવિઝન પણ મળવા માંડ્યાં છે, જે દીવાલ પર લટકાવી શકાય છે અને Wi-Fi સમર્થિત હોય છે.
- આવા ટેલિવિઝન વર્લ્ડ વાઇડ વેબ સાથે સીધા જોડાઈ શકે છે.
ઉદાહરણ :- Panasonicના ઇન્ટરનેટ સમર્થિત ટેલિવિઝન YouTube, Amazon Video-On-Demand, Picasa Web Albums, Bloomberg News અને હવામાનની ચૅનલોનો ડેટા દર્શાવી શકે છે.
- Samsungના ઇન્ટરનેટ સમર્થિત ટેલિવિઝન વધારામાં eBay અને Twitterમાંથી માહિતી દર્શાવી શકે છે.
- LGના સમર્થિત ટેલિવિઝનમાં Netflix’sનો ફિલ્મનો વિશાળ સંગ્રહ અને TV shows પણ દર્શાવી શકે છે.
ગ્રીન કમ્પ્યુટિંગ (Green Computing)
- જ્યારે પણ આપણે કમ્પ્યૂટર સાધનોનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણે એવાં સંસાધનોનો ઉપયોગ કરવો પડે છે જે કદાચ પર્યાવરણની સમસ્યા માટે કારણભૂત બને છે.
- ગ્લોબલ વૉર્મિંગ એ ટેક્નોલૉજીના વધુ પડતા ઉપયોગની જ આડઅસર છે. કમ્પ્યુટર સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગને રજૂ કરતો શબ્દ છે ‘ગ્રીન કમ્પ્યુટિંગ’.
- ‘ગ્રીન કમ્પ્યુટિંગ’ની પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સંસાધનોનો ઉપયોગ કરવાને લીધે ઉદ્ભવતી પર્યાવરણીય અસરોને શક્ય તેટલી ઓછી કરવાનો છે.
- 1992માં શરૂ કરવામાં આવેલ ENERGY STAR કાર્યક્રમ એ ગ્રીન કમ્પ્યુટિંગની દિશામાં પહેલું કદમ હતું.
- ENERGY STAR કાર્યક્રમ અંતર્ગત જે-તે કંપની દ્વારા તૈયાર કરાયેલા એવાં કમ્પ્યુટિંગ સાધનો કે જેણે ઊર્જાનો વપરાશ ન્યૂનતમ કર્યો હોય અને કાર્યક્ષમતા ઉચ્ચતમ હોય તેને આ લેબલ એનાયત કર્યા.
- ENERGY STARનું લેબલ કમ્પ્યૂટરના મૉનિટર, ટેલિવિઝન, રેફ્રિજરેટર, ઍકંડિશનર વગેરે માટે મેળવી શકાય છે.
- કમ્પ્યૂટરના મૉનિટરને અમુક ચોક્કસ પરિસ્થિતિ વખતે સુષુપ્ત અવસ્થા(Sleep mode)માં લઈ જવાનું કાર્ય એ ગ્રીન કમ્પ્યુટિંગ પહેલનું પ્રથમ પરિણામ હતું.
- સર્વરનું આભાસીપણું એ પણ ગ્રીન કમ્પ્યુટિંગનો વર્તમાન પ્રવાહ છે.
- સર્વર તરીકે અનેક કમ્પ્યૂટર મશીનનો ઉપયોગ કરવાને બદલે કંપનીઓ આજકાલ વર્ચ્યુલાઇઝેશનવાળા ઉચ્ચક્ષમતા ધરાવતા એક સર્વરનો ઉપયોગ કરે છે અને તેમાંથી અનેક સર્વર બનાવે છે.
- ગ્રીન કમ્પ્યુટિંગ માટે આપણે પણ કેટલાંક પગલાં લઈ શકીએ. જેમ કે જ્યારે થોડા સમય માટે ઉપયોગ ન કરવો હોય, ત્યારે આપણે જાતે જ મૉનિટર બંધ કરી દઈએ. અથવા પરંપરાગત CRT પ્રકારના મૉનિટરને બદલે LCD કે LED મૉનિટરનો ઉપયોગ કરીએ.