GSEB Class 7 Social Science Notes Chapter 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)

This GSEB Class 7 Social Science Notes Chapter 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) covers all the important topics and concepts as mentioned in the chapter.

આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) Class 7 GSEB Notes

→ ભારતની ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિથી વન સંસ્કૃતિ સુધીનું જતન કરનાર વિવિધ સમૂહોએ ભારતની આગવી ઓળખ અને સંસ્કૃતિની જાળવણીનું પ્રશંસનીય કામ કર્યું છે.

→ ભારતના બંધારણમાં અનુસૂચિમાં સામેલ કરેલ, પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને “અનુસૂચિત જનજાતિઓ’ (Schedule Tribes) તરીકે ઓળખવામાં આવે છે.

→ ભારતના અદિવાસીઓની જીવનશૈલી તેમના વિવિધ ઉત્સવો, રૂઢિ-પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલી, ચિત્ર-સંગીત અને નૃત્યની ક્લાઓમાં જોઈ શકાય છે.

→ આપણો દેશ આઝાદ થયો તે પહેલાં આદિવાસી સમાજ અન્ય સમાજ કરતાં થોડો જુદો હતો. આમ છતાં, ભારતીય વ્યવસ્થામાં તેમનું યોગદાન મહત્ત્વપૂર્ણ હતું.

GSEB Class 7 Social Science Notes Chapter 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)

→ આદિવાસીનો શાબ્દિક અર્થ “આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર’ એવો થાય છે.

→ દરેક જનજાતિના સભ્યો કબીલાઈ (પરિવાર અથવા કુટુંબ) પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી અને પશુપાલક તરીકે તેમજ ઓછાવત્તા અંશે ખેતી દ્વારા પોતાનું જીવન પસાર કરતા હતા.

→ જંગલ અને પ્રકૃતિ જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતાં પરિબળો હતાં. તેમનાં મકાનો પ્રાકૃતિક સંસાધનોથી બનેલાં હતાં.

→ જનજાતિના લોકો જમીન અને જમીનપેદાશો પર સંયુક્તપણે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમો પ્રમાણે બધાં કુટુંબોમાં તેની વહેંચણી કરતાં. આ પરથી કહી શકાય કે, જનજાતિના લોકોનું જીવન સામૂહિક સ્વરૂપનું હતું. તેથી તેમની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા હતી.

→ જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ
સ્થળોએ રહેતી હતી. જનજાતિઓ પોતાની વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર રહેતી. નિર્ભરતાના સંબંધને કારણે એ જાતિઓમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું.

→ સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ જાણકારી આપી નથી. વર્તમાન ઇતિહાસકારો એ જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે તેમની મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે.

→ આદિવાસી સમાજ અન્ય સમાજ કરતાં કેટલીક બાબતોમાં ભિન્નતા ધરાવે છે, તો કેટલીક સાંસ્કૃતિક બાબતોમાં તેમની માન્યતાઓ અન્ય સમાજને મળતી આવે છે.

→ આદિવાસી સમૂહનો જીવનનિર્વાહ એકઠી કરેલી વન્યપેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન તેમજ કલા-કૌશલથી બનાવેલી સાધનસામગ્રી પર નિર્ભર હતો.

→ ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને ફાળિયું પહેરતા. પૂર્વપટ્ટીના પુરુષો કાળી બંડી અને પોતડી પહેરતા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં પુરુષો ધોતિયું કે લેંઘો અને પહેરણ પહેરતા. ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ ઝૂલડી પહેરતી હતી. આદિવાસી સમુદાયે સામાન્ય સમાજ જેવો જ પહેરવેશ અપનાવી લીધો છે. તેઓ તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે જ પરંપરાગત પોશાકો પહેરે છે.

→ આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવોમાં જોવા મળે છે. આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક હોવાથી તે તેને દેવી-દેવતાઓના સ્વરૂપે પૂજે છે અને તેમને પ્રસન્ન કરવા વિધિવિધાનો કરે છે.

→ લગ્ન અંગે આદિવાસી સમૂહમાં વિશિષ્ટ રિવાજો પ્રવર્તે છે. દરેક જનજાતિમાં તેમના સમાજનું પંચ હોય છે, જે તેમની પરંપરા જાળવવાનું કામ કરે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)

→ આજે સરકારની યોજનાઓ, શિક્ષણનો વ્યાપ અને તકનિકી વિકાસના કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે. હવે તેમને ત્યાં પાકાં મકાનો, શિક્ષણની સુવિધા અને આધુનિક પહેરવેશ જોવા મળે છે. સમાજમાં સામાજિક ચેતના પ્રવર્તે છે.

→ અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતાં નવાં કલા-કૌશલ ધરાવતા લોકોની સમાજમાં આવશ્યક્તા ઊભી થઈ. તેથી સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. ઘણી જનજાતિઓ અને

સામાજિક જૂથોને જાતિનો દરજ્જો મળેલો છે. એ જાતિઓમાં વિશિષ્ટ કૌશલ ધરાવતો સમૂહ મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની.

→ 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગમ્બર નામની જનજાતિઓ રહેતી હતી. એ જનજાતિના કમાલખાં ગબ્બરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મુઘલો પહેલાં મુલતાન અને સિંધમાં લંઘા અને અરઘુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. પશ્ચિમ હિમાલયમાં ગડી ગડરિયો નામની જનજાતિ રહેતી હતી. ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં નાગા, કૂકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું.

→ બારમી સદી સુધી હાલના બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં ચેર સરદારોની સત્તા પ્રવર્તતી હતી. ચેરજાતિ પર અકબરના સેનાપતિ રાજા માનસિંહે હુમલા કરી તેને પરાજિત કરી હતી. ઓરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેરજાતિ પર હુમલા કરી, તેમના કિલ્લાઓ કબજે કરી, તેના પર સત્તા જમાવી હતી.

→ હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં મુંડા અને સંથાલ નામની બે મહત્ત્વની જનજાતિઓ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને અન્ય કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને અન્ય જનજાતિઓ રહેતી હતી. ભીલ જનજાતિ પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં રહેતી હતી. ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં ભીલ સરદારોનાં રજવાડાં હતાં. કેટલાંક ભીલ કુળો શિકાર અને અન્નસંગ્રહ જેવી પ્રવૃત્તિઓ કરતાં હતાં.

→ ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેતી પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે. આ જાતિ ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. આ જાતિના લોકો સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરતા હતા. અકબરનામામાં ગોંડ રાજ્ય વિશે નોંધ થયેલી છે કે, ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં લગભગ 70,000 ગામડાંઓ હતાં.

→ ભારતના હાલના છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધારે છે.

→ ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીત હતી. ગોંડ રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને “ચોર્યાસી’ કહેવાતો અને દરેક ચોર્યાસી બાર-બાર ગામના એક પેટા એકમ બારહોતોમાં વહેંચાયેલો હતો.

→ મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહની પદવી ધારણ કરી હતી. દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેનાં લગ્ન સંગ્રામશાહના રાજકુમાર દલપત સાથે થયાં હતાં. યુવાન વયે પોતાના પતિ દલપતનું અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનો વહીવટ કર્યો હતો. આસીફખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ ઈ. સ. 1565માં દુર્ગાવતીને પરાજિત કરી હતી. એ યુદ્ધમાં લડતાં લડતાં રાણી દુર્ગાવતી અને તેનો પુત્ર વીરગતિ પામ્યાં હતાં.

GSEB Class 7 Social Science Notes Chapter 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)

→ ગઢકઢંગા રાજ્ય હાથીઓનો વેપાર કરીને પુષ્કળ ધન એકઠું કર્યું હતું. એ ગઢકઢંગા રાજ્ય પર વિજય મેળવીને મુઘલોએ ધન અને હાથીઓ મેળવ્યા હતા. મુઘલોના આક્રમણથી ગઢકઢંગા રાજ્ય અતિ નિર્બળ બન્યું હતું. તેથી તે શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહિ.

→ 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશમાં વસ્યા હતા. તેમણે ભુઇયા(ભૂસ્વામી, જમીનદાર)ની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી 16મી સદીમાં યુટિયો (ઈ. સ. 1523) અને કોચ-હાજો (ઈ. સ. 1581) રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા. ઈ. સ. 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકોની હાર થઈ.

→ અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (Forced Labour) . – પર આધારિત હતું. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઇક’ કહેવાતા. વસ્તીગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીગીચતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતાં અહોમ કુળો વેરવિખેર થઈ ગયાં. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર ભારતમાં કોઈ
વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે.

→ અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સેનિકો તરીકે કામ કરતા હતા, જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી.

→ અહોમ સમાજ કુળોમાં વહેંચાયેલો હતો. તેમના દરેક કુળને ખેલ’ કહેવામાં આવતું. અહોમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શક્યો નહિ.

→ શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ(પ્રાકૃતિક દેવતાઓ)ની ઉપાસના કરતા હતા. અહમ રાજા બ્રાહ્મણો અને મંદિરોને જમીનનું દાન આપતા હતા. અહોમ રાજા સિબસિંહ(ઈ. સ. 1714થી ઈ. સ. 1744)ના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો.

→ અહોમ સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. સમાજમાં કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી. નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. “બુરજી’ નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી – આસમી ભાષામાં લખવામાં આવી હતી.

→ સમય જતાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યાં. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજા સાથે સંપર્કમાં આવ્યા. પરિણામે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. તેમણે અલગ અલગ આજીવિકા અપનાવી. ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની.

→ જોકે, ઘણી જનજાતિઓએ હિંદુધર્મ અને જાતિવ્યવસ્થા અપનાવ્યાં નહિ. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થાવાળાં મોટાં શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી. પરિણામે તેઓને તેમનાથી મોટાં સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *