GSEB Class 7 Social Science Notes Chapter 18 સંચાર-માધ્યમ અને જાહેરાત

This GSEB Class 7 Social Science Notes Chapter 18 સંચાર-માધ્યમ અને જાહેરાત covers all the important topics and concepts as mentioned in the chapter.

સંચાર-માધ્યમ અને જાહેરાત Class 7 GSEB Notes

→ મનુષ્ય એક વિચારશીલ સામાજિક પ્રાણી છે. બુદ્ધિ તેને મળેલી સૌથી મહત્ત્વની ભેટ છે. મનુષ્ય ભય અને સુખ કે દુઃખના ભાવ અનુભવે છે ત્યારે તેને વ્યક્ત કરે છે. તે પોતાનું સુખ વહેંચીને સુખમાં વધારો કરે છે અને દુઃખ વહેંચીને દુઃખ હળવું કરે છે.

→ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચારતંત્ર કે સંચારમાધ્યમ કહે છે. પહેલાંના સમયમાં સંદેશો ઢોલ વગાડીને, આગ કે ધુમાડા જેવા સંકેત દ્વારા, ઝંડા લહરાવીને, મોટા અવાજે બૂમો પાડીને તેમજ ચિત્રો કે સંકેતો દ્વારા મોકલવામાં આવતો હતો. કેટલીક વાર પ્રાણીઓ અને પક્ષીઓનો પણ સંદેશો મોકલવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

→ શરૂઆતમાં પરિવહનનાં સાધનો જ સંચારનાં સાધનો હતાં. સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ-ઑફિસ, ટેલિફોન, મોબાઇલ ફોન, ફેક્સ, કૃત્રિમ ઉપગ્રહો, ઇન્ટરનેટ વગેરે સાધનોએ સંચાર વ્યવસ્થાને સરળ અને ઝડપી બનાવી છે.

→ સંચાર-માધ્યમોને કારણે સમયની દષ્ટિએ દુનિયા નાની બની છે. આધુનિક સંચારતંત્રે સમગ્ર વિશ્વને વૈશ્વિક ગ્રામમાં ફેરવી દીધું છે.

→ આધુનિક સંચારતંત્રે દેશના આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ કર્યો છે. તદુપરાંત, તે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 18 સંચાર-માધ્યમ અને જાહેરાત

→ વિકસિત સંચારતંત્રને કારણે જ ભારત જેવા વિશાળ દેશમાં ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું (ચક્રવાત), દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓમાં અને આગ, બૉમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ જેવી માનવસર્જિત આપત્તિઓ સમયે ઝડપી આપત્તિ-વ્યવસ્થાપન કરી શકાય છે.

→ લેખિત સંદેશાઓ મોકલવામાંથી ટપાલ-પ્રથાનો જન્મ થયો. ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ઈ. સ. 1854માં થઈ હતી.

→ આપણે અગત્યના પત્રો રજિસ્ટર એડી દ્વારા, પૈસા મનીઑર્ડર અને ચીજવસ્તુઓ પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ.

→ ટેલિગ્રામ(તાર)ની શોધ ઈ. સ. 1850માં કરવામાં આવી હતી. – ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ભારતમાં ટેલિગ્રામ સેવા 13 જુલાઈ, 2003થી બંધ કરવામાં આવી છે.

→ પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. તે એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં છે. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. વર્તમાન સમયમાં ઈ-બુકનો વપરાશ વધ્યો છે.

→ વર્તમાનપત્રો દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષદિન, તિથિ, ચોઘડિયાં વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે. આપણા દેશમાં જુદી જુદી ભાષાઓમાં ઘણી સંખ્યામાં વર્તમાનપત્રો અને સામયિકોનું પ્રકાશન થાય છે.

→ રેડિયો પર આપણને સંગીત, ભજનો, લોકગીતો, વાર્તાઓ, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિઓની જાહેરાત વગેરે સાંભળવા મળે છે. આ ઉપરાંત, પૂર, વાવાઝોડું (ચક્રવાત), સુનામી, આગ અને બૉમ્બ વિસ્ફોટ જેવી આપત્તિઓના સમાચારો પણ સાંભળવા મળે છે.

→ સિનેમા શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચારમાધ્યમ છે. ફિલ્મો દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે. તેનાથી લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. આપણને ફિલ્મોમાંથી કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમો સામે સંઘર્ષ કરવાનું શીખવા મળે છે. દુનિયામાં સૌથી વધુ ફિલ્મો ભારતમાં બને છે.

→ ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચાર-માધ્યમ છે. તે દુનિયાના સમાચારો, ફિલ્મો, સીરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો વગેરે આપણી સમક્ષ રજૂ કરે છે. તે તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ પણ રજૂ કરે છે.

→ આધુનિક સમયમાં મોબાઇલ ફોન સંચાર-માધ્યમનું ખૂબ મહત્ત્વનું સાધન છે. મોબાઇલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ તે સંદેશા મોકલી શકે છે.

→મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વીડિયો-ઑડિયો પ્લેયર, ટૉર્ચ, કેલેન્ડર, કેક્યુલેટર, રેડિયો, ઈન્ટરનેટ વગેરેની સુવિધાઓ હોય છે. તેનાથી આપણે રેલવે, બસ અને સિનેમાની ટિકિટો બુક કરાવી શકીએ છીએ. તેમાંના ઇન્ટરનેટથી ઘણી માહિતી મેળવી શકીએ છીએ.

→ માનવસર્જિત ઉપગ્રહ (સેટેલાઈટ) સંચાર-માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો, મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કમ્યુટર અને મોબાઇલ ફોન જેવાં સંચાર-માધ્યમોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલાં પાણી અને ખનીજોની માહિતી મેળવી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતર અને રસ્તાને જાણી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે.

→ શરૂઆતમાં ખોરાક, પાણી અને મનુષ્ય જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવું એ માનવીની મુખ્ય પ્રાથમિક જરૂરિયાતો હતી. ટેલિવિઝન, રેડિયો, પ્રૉજેક્ટર, કમ્યુટર, મોબાઇલ ફોન વગેરે સંચાર-માધ્યમો ટેક્નોલૉજીના માધ્યમથી આવ્યાં. આપણે લખેલા કાગળો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સીરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો તેમજ પૂર, વાવાઝોડું, ભૂકંપ, સુનામી જેવી બાબતોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે.

→ લોકોનાં જીવનધોરણમાં પરિવર્તન લાવવા સરકાર લોકો માટે કેવાં કાર્યો કરે છે તેની જાણકારી સંચાર-માધ્યમો દ્વારા આપી કે લઈ જાય છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જેવાં કાર્યોની માહિતી સંચાર-માધ્યમો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. લોકશાહીમાં સંચાર-માધ્યમોને સ્વતંત્રતા આપવા છતાં સરકાર તેની પર દેખરેખ રાખતી હોય છે. રેડિયો અને ટેલિવિઝન પર રજૂ થતા સમાચારો અને કાર્યક્રમોની સમાજ પર કેવી અસર થશે તે સરકાર જુએ છે. દરેક નાગરિકે સંચારમાધ્યમો અને સોશિયલ મીડિયા વિશે એ બાબત ચકાસવી જોઈએ કે તે સાચી માહિતી રજૂ કરે છે કે કેમ?

GSEB Class 7 Social Science Notes Chapter 18 સંચાર-માધ્યમ અને જાહેરાત

→ સંચાર-માધ્યમોમાં પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બેકારી બાળમજૂરી, મહિલાઓ પર થતા અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષય પર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. વિદ્યાર્થીઓએ વાતચીત પૂરતો જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે ગેમ્સ અને ઈન્ટરનેટનો મર્યાદિત તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મોબાઇલ ફોનના પ્રકાશને લીધે આંખોને નુકસાન થાય છે; જેની સમય અને અભ્યાસ પર વિપરીત અસર થાય છે. વિક્રેતાઓ વ્યવસાયમાં થતી હરીફાઈને કારણે ગ્રાહકોને આકર્ષવા માટે આ પ્રકારની સ્કીમ્સ રાખે છેઃ

 • 50 ટકા ફ્રી,
 • વૉશિંગ મશીન સાથે રૂપિયા 500નું ગિફ્ટ વાઉચર ફ્રી,
 • 1 રૂપિયામાં રેફ્રિજરેટર વસાવો,
 • એક જોડી કપડાં સાથે એક જોડી ફ્રી અને
 • ગેરેટેડ ગિફ્ટ વગેરે.

→ ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બૅનર, મોબાઇલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસસ્ટેન્ડના બાંકડા, મૅગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડો, સંગીતનાં સાધનો, લાઇટબિલ, વેરાબિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેનાં માધ્યમો છે.

→ વિક્રેતાઓ માલનું વેચાણ વધારવાં જાહેરાતો કરે છે.

→ જાહેરાતના ફાયદાઓઃ

 • વસ્તુ પર છાપેલી કિંમતો જાણી શકાય છે.
 • વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે.

→ જાહેરાતના ગેરફાયદાઓઃ

 • જાહેરાત પાછળ થયેલા ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે.
 • જાહેરાત કરનાર વ્યક્તિ કે વસ્તુનો પ્રચાર કરતો હોય તે વસ્તુ કદાચ પોતે ન વાપરતો હોય એવું પણ બને છે.
 • જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ.
 • ટેલિવિઝન પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી તેમજ તે વસ્તુ બાળકોને કે વડીલોને અપાવી શકતા નથી.
 • દેખાદેખીનું ચલણ વધી જાય છે.

→ જાહેરાતથી સાવધાનઃ

 • ખોટી કે લોભામણી જાહેરાતથી સાવધાન રહેવું જોઈએ.
 • ચિત્ર, પોસ્ટર કે વીડિયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની ચકાસણી કરીને ખરીદવી જોઈએ.
 • સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતોને નિષેધાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહિ અને તે પ્રત્યે સરકારનું ધ્યાન દોરવું.

→સરકાર સામાજિક જાગૃતિ માટે નીચેની જાહેરાતો કરે છે :

 • બાળલગ્નો કરવાં નહિ.
 • આરોગ્ય જાળવો.
 • વસ્તી નિયંત્રણ કરો.
 • દીકરીને શિક્ષણ આપો.
 • બાળકોને કુપોષણથી બચાવો.

→ લોકશાહી રાષ્ટ્રોમાં ઘણું કરીને સંચાર-માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે.

→ લોકશાહીમાં લોકકલ્યાણ કેન્દ્રસ્થાને હોય છે. તેથી લોકશાહીમાં સરકાર જાહેરાતો દ્વારા લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકોને આપે છે.

→ સરકાર જાહેરાતો દ્વારા લોકોપયોગી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે અન્ય બાબતોની માહિતી લોકો સુધી પહોંચાડે છે.

→ લોકશાહીમાં સરકાર જાહેરાતોનાં માધ્યમો દ્વારા શિક્ષણનો પ્રચાર અને પ્રસાર કરે છે તેમજ કુરિવાજો, અંધશ્રદ્ધા, બાળલગ્નની પ્રથા, ખોટી માન્યતાઓ વગેરેનું ખંડન કરે છે, જેથી લોકશાહી પરિપક્વ બને છે.

→ લોકશાહીમાં સરકાર મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર જાહેરાત દ્વારા કરે છે.

→ લોકશાહીમાં સરકાર જાહેરાતો દ્વારા આરોગ્યસેવાઓ, જળ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ; સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહીનાં પોષક પરિબળોની જાહેરાત કરે છે.

GSEB Class 7 Social Science Notes Chapter 18 સંચાર-માધ્યમ અને જાહેરાત

→ લોકશાહી સરકાર લોકશાહીના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એક્તા – આ સિદ્ધાંતોની જાહેરાત સંચાર-માધ્યમો દ્વારા કરે છે, જેથી લોકશાહી વધારે મજબૂત બને છે.

→ સરકાર લોકોને ચૂંટણીપંચ દ્વારા મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજ આપે છે.

→ સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલાં લોકોપયોગી કાર્યોને તેમજ અમલી બનાવેલી યોજનાઓને જાહેરાતનાં માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડીને ફરીથી સત્તા પ્રાપ્ત કરવા પ્રયત્નો કરે છે.

→ સંચાર-માધ્યમો અને જાહેરાતોની વ્યક્તિના સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજનૈતિક અને વ્યક્તિગત જીવન પર ગાઢ અસર થાય છે; જેનાથી તેના જીવનમાં પરિવર્તન થતું જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *