This GSEB Class 7 Science Notes Chapter 17 જંગલો : આપણી જીવાદોરી covers all the important topics and concepts as mentioned in the chapter.
જંગલો : આપણી જીવાદોરી Class 7 GSEB Notes
→ જંગલો એ લીલાં ફેફસાં છે. તે કુદરતનું જળશુદ્ધીકરણ તંત્ર છે.
→ જંગલોનું વાતાવરણ શાંત હોય છે. હવા શુદ્ધ હોય છે. પ્રદૂષણનું નામોનિશાન નહિ.
→ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રીંછ, જંગલી બળદ, શિયાળ, હાથી, સાપ વગેરે જોવા મળે છે. જંગલો ઘણાં પ્રાણીઓ અને વનસ્પતિ માટે રહેઠાણ પૂરું પાડે છે.
→ વૃક્ષો ઉપર પણ વેલાઓ અને લતાઓ જોવા મળે. મોટા વૃક્ષોમાં સાલ, સાગ, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, વાંસ, આમળાં વગેરે જોવા મળે. ત્યાં વૃક્ષો, સુપ, જડીબુટ્ટીઓ, ઘાસ વગેરે પણ હોય. આ વન્યસંપત્તિ છે. તેમાંથી બળતણનું લાકડું, પ્લાયવુડ, ખોખાં, પેપર, દીવાસળી અને ફર્નિચર બને. ગુંદર, તેલ, મસાલા, કાથો, ઘાસચારો, મધ વગેરે વન્ય પેદાશો છે.
→ પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને વૃક્ષનો તાજ (મુગટ) કહેવામાં આવે છે. જંગલના ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચાં વૃક્ષો ઉપર છવાઈને છત્રછાયા પ્રદાન કરે છે. તેમને છાયા (Canopy) તરીકે ઓળખવામાં આવે છે.
→ વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે, જેને વાનસ્પતિક સમૂહો (Understoreys) કહે છે. વિશાળ અને લાંબાં વૃક્ષો સૌથી ઉપરનું, સુપ તેના પછીનું, લાંબું ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે.
→ વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિને આધારે વૃક્ષો અને વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે. દરેક જંગલોના પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે.
→ જંગલનું તળિયું ઘેરા રંગનું, મૃત અને સડેલાં પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવરિત હતું.
→ ફૂગ અને સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાથોંમાં ફેરવે છે. જે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે, તેને વિઘટકો (Decomposers) કહે છે. આ સૂક્ષ્મ જીવો જંગલમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે.
→ વૃક્ષો વાતાવરણમાં ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું સંતુલન જાળવે છે. આથી જંગલો ફેફસાં કહેવાય છે.
→ જંગલના લોકો મહદંશે જંગલો પર નિર્ભર છે. જંગલો તેમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે.
→ વનસ્પતિ પર નભનારા સજીવો બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. દા. ત., કીટકો ઘાસ ખાય છે, દેડકો કીટકોને ખાય છે, સાપ દેડકાને અને સમડી સાપને ખાય છે. આમ, આહારશૃંખલા રચાય છે. ઘાસ → કીટકો → દેડકો → સાપ → સમડી
→ જંગલો જમીનનું ધોવાણ (Sol erosion) અટકાવે છે, વરસાદ લાવવામાં મદદરૂપ બને છે, CO અને નું પ્રમાણ જાળવે છે, જમીનમાં જળસપાટી જાળવી રાખવામાં મદદ કરે છે, પાણીના પ્રવાહનું નિયંત્રણ કરે છે, હવા ઠંડી રાખે છે અને અવાજનું પ્રદૂષણ ઓછું હોય છે.