This GSEB Class 6 Social Science Notes Chapter 3 પ્રાચીન નગરો અને ગ્રંથો Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
પ્રાચીન નગરો અને ગ્રંથો Class 6 GSEB Notes
→ સંસ્કૃતિ મનુષ્યની રહેણીકરણીની સાથે સંકળાયેલી છે. અર્થાત્ તે જીવન જીવવાની એક રીત છે.
→ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા-કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે તે ‘સભ્યતા’.
→ વિશ્વમાં ઇજિપ્ત, મૅસોપોટેમિયા, ભારત, ચીન, રોમ વગેરેમાં માનવસમાજની મહાન સભ્યતાનાં દર્શન થાય છે.
→ હડપ્પીય સભ્યતાને આપણે સિંધુખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ.
→ ઈ. સ. 1921માં હડપ્પામાંથી સિંધુખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા.
→ ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સિંધુખીણની સભ્યતાનાં અનેક સ્થળોમાં હડપ્પા, મોહેં-જો-દડો, લોથલ, ધોળાવીરા, કાલિબંગન, રાખીગઢી, રોઝડી (શ્રીનાથગઢ), દેશલપર, રંગપુર વગેરેનો સમાવેશ થાય છે.
→ હડપ્પીય સભ્યતાની નગરરચના આયોજનબદ્ધ નગરરચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિક્તા હતી.
→ હડપ્પીય સભ્યતાનાં તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. કિલ્લાની ફરતે કોટ હતો. એવું માનવામાં આવે છે કે કિલ્લામાં શાસકો રહેતા હશે.
→ અહીંનાં નગરો ઇંટોનાં બનેલાં હતાં.
→ આયોજનબદ્ધ મકાનવ્યવસ્થા હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા હતી. નદીના પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં.
→ અહીંનાં મકાનોના દરવાજા મુખ્ય (જાહેર) રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ શેરી કે ગલીમાં પડતા.
→ હડપ્પીય સભ્યતામાં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવેલું હતું.
→ હડપ્પીય સભ્યતાના જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે.
→ હડપ્પાકાલીન સભ્યતાના લોકોએ વાપરેલા પાણીના નિકાલ માટે અહીં અત્યંત વિકસિત અને પદ્ધતિસરની ગટરવ્યવસ્થા હતી.
→ દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને તેમાંથી પાણી મોટી ગટરમાં જતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું.
→ મોહેં-જો-દડોમાંથી મળેલા જાહેર સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ હતો. તેમાં ઊતરવા માટે બે બાજુએ પગથિયાંની વ્યવસ્થા હતી. સ્નાનાગારની ચારે બાજુ વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ હતી.
→ સભાગૃહ તરીકે ઉપયોગમાં લેવાતું સ્તંભવાળું એક મકાન મોહેં જો-દડોમાંથી મળી આવ્યું છે.
→ હડપ્પા પંજાબના મોંટગોમરી જિલ્લા(હાલ પાકિસ્તાન)માં આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે.
→ તે સિંધુખીણની સભ્યતાનું મુખ્ય નગર હોવાનું મનાય છે. અહીંની મુખ્ય વિશેષતા અન્નભંડારો છે.
→ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાંથી મળી આવેલ ધક્કો (Dock Yard) દર્શાવે છે કે તે પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે. હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હતો.
→ ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતત્ત્વ નગર છે. તે ત્રણ ભાગમાં (ત્રિસ્તરીય) છે:
- સીટાડલ-કિલ્લો
- ઉપલું નગર અને
- નીચલું નગર.
→ વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ એ ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા છે.
→ રાજસ્થાનમાં આવેલું કાલિબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખેડેલાં ખેતરોના અવશેષો મળી આવ્યા છે.
→ કાલિબંગનમાં તાંબાનાં ઓજારો બનતાં હશે અને તે કૃષિક્ષેત્રે ઉપયોગમાં લેવાતાં હશે. આમ, સિંધુખીણની સભ્યતાનું નગરઆયોજન સુવ્યવસ્થિત, સુંદર ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું.
→ હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવનઃ સિંધુખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. તેઓ ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. તેઓ જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. તેઓ ગાય, ભેંસ, બકરી, ખાંધવાળો સાંઢ વગેરે પશુઓ પાળતા.
→ હડપ્પીય સભ્યતાનું સુતરાઉ કાપડ છેક ઍસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચ્યું હતું.
→ સિંધુખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, માછલી, દૂધ અને દૂધનાં ઉત્પાદનો વગેરેનો સમાવેશ થાય છે. અહીંના અવશેષોમાં માછલી પકડવાના હૂક (ગલ) (Hook) મળી આવ્યા છે.
→ સિંધુખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે.
→ સિંધુખીણની સભ્યતાના લોકો મુખ્યત્વે સુતરાઉ અને ઊની કાપડનો ઉપયોગ કરતા. આ સમયનાં આભૂષણો સોના, ચાંદી અને કીમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતાં.
→ સિંધુખીણ સભ્યતાના લોકો માટી, તાંબું અને કાંસાનાં વાસણો બનાવતા. તેમણે પોતાનાં બાળકો માટે વિવિધ પ્રકારનાં રમકડાં બનાવ્યાં હતાં.
→ હડપ્પીય સભ્યતાના લોકોના ધાર્મિક જીવન વિશે મૂર્તિઓ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે.
→ ઇતિહાસકારો માતૃકાદેવીની મૂર્તિઓને ધરતીમાતાનું પ્રતીક ગણે છે. હડપ્પીય સભ્યતાના લોકો ધરતીપૂજા વધુ કરતા હતા. તદુપરાંત, તેઓ વૃક્ષ, પશુ, નાગદેવતા, સ્વસ્તિક વગેરેની પણ પૂજા કરતા.
→ લોથલ અને કાલિબંગનમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે.
→ હડપ્પીય સભ્યતાના લોકો શબને દાટતા કે તેનો અગ્નિસંસ્કાર કરતા હશે.
→ સિંધુખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ મળી આવી છે. તેની લિપિ ઉકેલાઈ શકી નથી.
→ ગુજરાતમાં રંગપુર અને લોથલ (અમદાવાદ), રોઝડી (રાજકોટ), દેશલપર (કચ્છ), ધોળાવીરા (કચ્છ), સૂરકોટડા (કચ્છ), આમરા (જામનગર), લાખાબાવળ (જામનગર), ભાગાતળાવ (ભરૂચ) વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાનીમોટી વસાહતો મળી આવી છે.
→ ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે હડપ્પીય સભ્યતાનો અંત આવ્યો હશે એવું ઇતિહાસકારો માને છે.