Gujarat Board GSEB Textbook Solutions Class 9 Social Science Chapter 6 1945 પછીનું વિશ્વ Textbook Exercise and Answers.
1945 પછીનું વિશ્વ Class 9 GSEB Solutions Social Science Chapter 6
GSEB Class 9 Social Science 1945 પછીનું વિશ્વ Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો:
પ્રશ્ન 1.
સંયુક્ત રાષ્ટ્રસંઘ(રાષ્ટ્રો)ના હેતુઓ જણાવો.
ઉત્તર:
સંયુક્ત રાષ્ટ્રસંઘ(રાષ્ટ્ર)ના હેતુઓ (ઉદ્દેશો) નીચે મુજબ હતા:
- વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી.
- શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવી કે દૂર કરવી. આક્રમણનાં કે શાંતિભંગના બનાવોને નાબૂદ કરવા અસરકારક સામૂહિક પગલાં ભરવાં. દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો.
- આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વનાં રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભર્યા સંબંધો વિકસાવવા અને વિશ્વશાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવાં. » જગતનાં રાષ્ટ્રોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો.
- જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો.
- વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વની ભાવના વિકસાવવી.
- સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલાં રાષ્ટ્રોનાં કાર્યો વચ્ચે યુ.એન.એ સુમેળ લાવનાર કેન્દ્ર તરીકે કામ કરવું.
પ્રશ્ન 2.
બિનજોડાણની નીતિનો અર્થ સમજાવો.
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકાતરફી લોકશાહી દેશોનું સત્તાજૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયેત યુનિયનતરફી સામ્યવાદી સત્તાજૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને તે લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યાં.
- એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે, એ જૂથોથી સમાન અંતર રાખીને, તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો.
- આમ, અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશનીતિને બિનજોડાણની નીતિ કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
‘ઠંડા યુદ્ધનાં પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તરઃ
ઠંડા યુદ્ધCold War)નાં પરિણામો નીચે મુજબ હતાં:
- ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન અનેક વખત આમનેસામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઇલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું.
- બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્રસ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી.
- દુનિયાનાં મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતરસંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું.
- દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબૉમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ ઈ. સ. 1949માં સોવિયેત યુનિયને સફળ અણુઅખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
- વિશ્વના મોટા ભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો. તેમને એકબીજાનો ભય સતાવતો હતો. તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા.
પ્રશ્ન 4.
જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીની રાજ્યવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્ર સંપૂર્ણ ભાંગી પડ્યાં હતાં.
- એ સમયે જર્મનીને ફરીથી બેઠું કરી શકે એવો કોઈ નેતા દેશમાં રહ્યો નહોતો.
- વિશ્વયુદ્ધ પૂરું થતાં જર્મનીને ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું.
- વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કા દરમિયાન સોવિયેત યુનિયનની લાલ સેના(રેડ આમ)એ જર્મનીના પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો. તેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયેત યુનિયનને સોંપવામાં આવ્યો.
- જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને તેમજ નેધરલૅટ્ઝ (હોલેન્ડ) અને બેલ્જિયમને અડીને આવેલા જર્મન પ્રદેશોનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો.
- ભૌગોલિક રીતે પૂર્વ જર્મનીમાં આવેલા પાટનગર બર્લિનને પણ ચાર વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર ચાર દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. વહીવટી એકતા માટે સંકલન સમિતિ રચવામાં આવી.
- સત્તાજૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાતાં પૂર્વ જર્મની પરની પોતાની સત્તા જતી રહેશે એવો ડર સોવિયેત યુનિયનને લાગ્યો. તેથી તેણે પૂર્વ જર્મનીમાં પોતાના સામ્યવાદી પક્ષની પૂતળા સરકાર સ્થાપી.
- અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતપોતાના વહીવટી અંકુશ નીચેના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીની રચના કરી.
- પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેમ બર્લિનના ત્રણ વિભાગોને એક કરવામાં આવ્યા.
- આ પ્રક્રિયાના વિરોધરૂપે સોવિયેત યુનિયને એપ્રિલ, 1948માં બર્લિનની નાકાબંધી જાહેર કરી.
- પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો.
- આ પરિસ્થિતિમાં પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિમી લાંબી, ઊંચી દીવાલ બનાવવામાં આવી.
- ઉપર્યુક્ત બનાવો પછીના ચાર-સાડા ચાર દસકાના સમયમાં વિવિધ કારણોસર ઠંડા યુદ્ધની સ્થિતિમાં પરિવર્તન આવ્યું.
- સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. પરિણામે સોવિયેત યુનિયનનું 14 રાજ્યોમાં વિઘટન થયું.
- એ પ્રક્રિયાના એક ભાગરૂપે 3 ઑક્ટોબર, 1990ના દિવસે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મનીનું એકીકરણ થયું.
- જર્મન પ્રજાનાં દુઃખ, યાતનાઓ, સંતાપ અને ક્રૂરતાભર્યા જોરજુલમના પ્રતીક સમી બર્લિનની દીવાલ હર્ષોલ્લાસ સાથે તોડી પાડવામાં આવી.
- એ દીવાલ જમીનદોસ્ત થતાં સમગ્ર જર્મન પ્રજાએ ભારે ખુશી અને આનંદ અનુભવ્યાં.
- સંયુક્ત બનેલા જર્મનીએ ઈ. સ. 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી. પરિણામે રાજકીય, આર્થિક, વેપાર-વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધીને તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું છે.
પ્રશ્ન 5.
ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને તકનિકી સહાય કરી છે.
- રશિયાએ હંમેશાં જમ્મુ-કશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે.
- સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાની વીટો’ (VETO) સત્તાનો ઉપયોગ કર્યો છે.
- તેણે કશ્મીરના પ્રશ્ન વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કર્યું છે.
- આમ, ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો પ્રવર્તે છે.
પ્રશ્ન 6.
‘નાટો’, ‘સિઆટો’ અને ‘વૉસ’ લશ્કરી જૂથો વિશે માહિતી આપો.
ઉત્તરઃ
નાટો NATO) સોવિયેત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ, 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું તે નાટો'(NATO – નોર્થ ઈસ્ટ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઈઝેશન)ના નામે ઓળખાય છે.
સિઆટો (SEATO): ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણપૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ’ સામે રક્ષણ કરવા માટે ઈ. સ. 1954માં સિઆટો” (SEATO – સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન) નામના લશ્કરી જૂથની રચના કરી.
વૉસ કરારઃ અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલાં ‘નાટો’ અને ‘સિઆટો’ લશ્કરી જૂથોના વધતા જતા પ્રભાવને અટકાવવા, તેમની વિરુદ્ધમાં સોવિયેત યુનિયનની નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશોએ ‘વૉર્મો કરાર’ નામના લશ્કરી જૂથની રચના કરી. આલ્બનિયા, બબ્બેરિયા, ઝેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા વગેરે દેશો આ લશ્કરી જૂથના સભ્યો હતા.
[લશ્કરી જૂથ સેન્ટો (CENTO): ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્યપૂર્વમાં અરબ સંઘના દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું છે. તે કેન્દ્રીય સંગઠન કરાર’ – ‘સેન્ટો'(CENTO – સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઑર્ગેનાઈઝેશન)ના નામે ઓળખાય છે. આ સંગઠનનું નેતૃત્વ અમેરિકાએ લીધું છે.]
2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:
પ્રશ્ન 1.
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો શાથી તનાવપૂર્ણ બન્યા?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણીવાળી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ.
- પરસ્પરની શંકા-કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાનાં લશ્કરી જૂથો બનાવ્યાં. વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા.
- વિશ્વ બે સત્તાજૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું અમેરિકા અને રશિયા – આ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું.
- દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબૉમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ ઈ. સ. 1949માં સોવિયેત યુનિયને સફળ અણુઅખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
- અરસપરસના ઇરાદાઓ માટે ભારે શંકા-કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ થઈ.
- ઉપર્યુક્ત કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તનાવપૂર્ણ બન્યા.
પ્રશ્ન 2.
પંડિત જવાહરલાલ નેહરુ બિનજોડાણની નીતિ વિશે શું માનતા હતા?
ઉત્તર:
ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બિનજોડાણની નીતિના પ્રખર હિમાયતી હતા.
- તેઓ માનતા હતા કે, કોઈ એક સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિનજોડાણની નીતિ સ્વીકારીશું – તટસ્થ રહીશું
- તો દેશનાં રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું.
- ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવાં બે હરીફ-જૂથોમાં વિભાજન વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે.
પ્રશ્ન 3.
‘પરમાણુ બિનપ્રસાર સંધિ’ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી?
ઉત્તર:
જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિનપ્રસાર સંધિ’ તરીકે ઓળખાય છે. > પરમાણુ બિનપ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા (મુખ્યત્વે અમેરિકા અને સોવિયેત યુનિયન) દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી. તેઓ તેમનાં એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ છે એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે.
- આમ, આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતનાં રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી.
3. નીચેના પર ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ
ઉત્તર:
શસ્ત્રીકરણ: ‘ઠંડા યુદ્ધ’ના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાનાં પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ.
- અમેરિકાએ સૌથી વધુ સંહારક એવો પરમાણુ બૉમ્બ બનાવ્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન, ઈ. સ. 1945માં, જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો અને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એ પછીનાં ચાર વર્ષમાં ઈ. સ. 1949માં સોવિયેત યુનિયને અણુઅખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી. એ પછી વિશ્વના અગ્રણી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ.
- બે મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં. એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તાઓ બન્યા. આમ, વિશ્વનાં પાંચ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતાં રાષ્ટ્રો બન્યાં. ચીન સિવાયનાં ચાર રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનાં કાયમી સભ્ય-રાષ્ટ્રો હતાં.
- આ પાંચ રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલાં નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય એવાં પ્રક્ષેપાસ્ત્રો(મિસાઇલ)ના ઉત્પાદનની અદ્યતન ટેક્નોલૉજી હતી. સમગ્ર મનુષ્ય જાતિનો જ નહિ પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેક વાર વિનાશ કરી શકે એવાં શસ્ત્રોના ભય નીચે વિશ્વ જીવતું હતું.
નિઃશસ્ત્રીકરણ: ઈ. સ. 1961 – 62માં સર્જાયેલી ‘ક્યૂબાની કટોકટી’ની ઘટના પછી અમેરિકા, સોવિયેત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન, પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે સહમત થયા. આ માટે તેમણે ‘આંશિક પરમાણુ અખતરાબંધી’ નામની સંધિ તૈયાર કરી. આ સંધિ એક બીજા દેશ પર અણુઅખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો. ઈ. સ. 1964માં ચીને અણુઅખતરો કર્યો.
- બંને મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતાં અને તેમની વચ્ચે સંબંધ સુધાર’ની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિઓ આવકારી છે. પરંતુ તે હંમેશાં સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે.
- જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહિ થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહિ.
પ્રશ્ન 2.
ક્યૂબાની કટોકટી
અથવા
ક્યૂબાની કટોકટી વિશે માહિતી આપો.
ઉત્તર:
ઈ. સ. 1961-1962 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ-પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યૂબાની નાકાબંધી કરી.
- અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યૂબાની સલામતી માટે સોવિયેત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલાં વહાણો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા.
- વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓએ સૌપ્રથમ વાર ‘હોટ લાઈન’ પર વાતચીત કરી.
- પરિણામે સોવિયેત યુનિયને પોતાનાં વહાણ પાછાં વાળી લીધાં અને અમેરિકાએ ક્યૂબા સામે ગોઠવેલાં પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધાં. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ.
- આ ઘટનાને ‘યૂબાની કટોકટી’ તરીકે ઓળખવામાં આવે છે.
- ‘ક્યૂબાની કટોકટી’ની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સંભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપ-લે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. > ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે.
પ્રશ્ન 3.
સોવિયેત યુનિયનનું વિઘટન
ઉત્તરઃ
20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઈલ ગોર્બોચોવ સોવિયેત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિને કારણે સોવિયેત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયેત યુનિયન(રશિયા)નું વિભાજન થયું. સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વરાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે.
- 11 માર્ચ, 1985માં મિખાઈલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું.
- મિખાઈલ ગોર્બોચોવની ‘ગ્લાનોસ્ત’ (ખુલ્લાપણું) અને પેરેસ્ટ્રોઇકા’ (આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ) નીતિઓને કારણે ? સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘનાં સભ્ય-રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા તત્પર બન્યાં. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યાં.
- ધીમે ધીમે સોવિયેત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના(રેડ આર્મી)ની પકડ ઢીલી પડવા લાગી.
- ઈ. સ. 1990માં સોવિયેત યુનિયનના વિભાજનથી પ્રક્રિયા શરૂ થઈ. ડિસેમ્બર, 1991માં દેશનાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં સોવિયેત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. 15મું રાજ્ય રશિયા સૌથી મોટું છે. તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે.
પ્રશ્ન 4.
બર્લિનની નાકાબંધી
ઉત્તરઃ
દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું.
- એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ ચાર વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર ચાર મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો.
- થોડાં વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઑફ ઈસ્ટ જર્મની’ તરીકે રચના કરી.
- આ દેશોએ પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના ત્રણ વિભાગોને પણ એક બનાવ્યા.
- પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ, 1948માં સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી.
- પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો.
- ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે.
4. નીચેના વિધાનોનાં કારણો આપો:
પ્રશ્ન 1.
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે.
ઉત્તરઃ
આધુનિક વિશ્વે બબ્બે મહાભયાનક અને સંહારક વિશ્વયુદ્ધોનાં માઠાં પરિણામો ભોગવ્યાં છે.
- આવાં યુદ્ધોની યાતનાથી ભાવિ પ્રજાને બચાવવા ઈ. સ. 1945માં જગતના 50 દેશોએ વિશ્વસંસ્થા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી.
- એ સમયે મળેલી પરિષદના સમાપન પ્રવચનમાં અમેરિકાના એ ૬ સમયના પ્રમુખ ટ્રમેને જણાવ્યું હતું કે, હવે યુદ્ધો વિનાના વિશ્વમાં ? જગતનાં રાષ્ટ્ર પોતાના ઝઘડાઓ કે વિવાદોનો ઉકેલ ચર્ચાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા લાવશે.
- તેમના મતે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ યુદ્ધો વિનાના નવા વિશ્વનો પાયો નાખ્યો છે.
પ્રશ્ન 2.
ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે.
ઉત્તરઃ
ઈ. સ. 1961-1962 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ-પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યૂબાની નાકાબંધી કરી.
- અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યૂબાની સલામતી માટે સોવિયેત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલાં વહાણો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા.
- વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓએ સૌપ્રથમ વાર ‘હોટ લાઈન’ પર વાતચીત કરી.
- પરિણામે સોવિયેત યુનિયને પોતાનાં વહાણ પાછાં વાળી લીધાં અને અમેરિકાએ ક્યૂબા સામે ગોઠવેલાં પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધાં. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ.
- આ ઘટનાને ‘યૂબાની કટોકટી’ તરીકે ઓળખવામાં આવે છે.
- ‘ક્યૂબાની કટોકટી’ની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સંભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપ-લે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. > ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે.
5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન)ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?
A. ઘોષણાપત્રથી
B. આમુખથી
C. માનવહકોથી
D. બંધારણથી
ઉત્તર:
B. આમુખથી
પ્રશ્ન 2.
ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે?
A. બર્લિનની નાકાબંધીને
B. જર્મનીના ભાગલાને
C. હિટલરની આત્મહત્યાને
p. જર્મનીના એકીકરણને
ઉત્તર:
A. બર્લિનની નાકાબંધીને
પ્રશ્ન 3.
સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા?
A. લોકશાહી
B. સામ્રાજ્યવાદી
C. સામ્યવાદી
D. ઉદારમતવાદી
ઉત્તર:
C. સામ્યવાદી
પ્રશ્ન 4.
ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા?
A. લાલબહાદુર શાસ્ત્રી
B. ડૉ. રાધાકૃષ્ણન
C. પંડિત જવાહરલાલ નેહરુ
D. શ્રીમતી ઇન્દિરા ગાંધી
ઉત્તર:
C. પંડિત જવાહરલાલ નેહરુ
પ્રશ્ન 5.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે?
A. બિનજોડાણની નીતિએ
B. ઠંડા યુદ્ધની નીતિએ
C. નિઃશસ્ત્રીકરણની નીતિએ
D. સંસ્થાનવાદની નીતિએ
ઉત્તર:
A. બિનજોડાણની નીતિએ