This GSEB Class 8 Science Notes Chapter 4 પદાર્થો : ધાતુ અને અધાતુ covers all the important topics and concepts as mentioned in the chapter.
પદાર્થો : ધાતુ અને અધાતુ Class 8 GSEB Notes
→ લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ, નિકલ, જસત, સોનું, ચાંદી વગેરે ધાતુઓ છે. સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કૅલ્શિયમ પણ ધાતુઓ છે. કાર્બન, સલ્ફર, ફૉસ્ફરસ વગેરે ઘન સ્વરૂપનાં અધાતુઓ છે. બ્રોમિન પ્રવાહી સ્વરૂપનું અધાતુ છે. ઑક્સિજન, હાઈડ્રોજન, નાઇટ્રોજન વગેરે વાયુ સ્વરૂપનાં અધાતુઓ છે.
→ ધાતુના ભૌતિક ગુણધર્મો (Physical Properties of Metals) :
- ટિપાઉપણું (Malleability) : ટીપીને પાતળાં પતરાં બનાવી શકાય છે.
- ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે.
- તણાઉપણું કે તન્યતા (Ductility) : ખેંચીને તાર બનાવી શકાય છે.
- અથડાવતાં રણકાર ઉત્પન્ન કરે છે.
- ચળકાટ ધરાવે છે.
- સખત હોય છે. (અપવાદઃ સોડિયમ, પોટેશિયમ, સીસું)
→ અધાતુના ભૌતિક ગુણધર્મો (Physical Properties of NonMetals) :
- ટીપવાથી ટુકડા થાય છે.
- ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. (અપવાદઃ ગ્રેફાઇટ)
- તાન્યતા ન હોવાથી ખેંચીને તાર બનાવી શકાતાં નથી.
- અથડાવતાં રણકાર ઉત્પન્ન કરતાં નથી.
- ચળકાટ ધરાવતાં નથી. (અપવાદ: આયોડિન, ગ્રેફાઇટ)
- નરમ અને બરડ હોય છે.
→ ધાતુના રાસાયણિક ગુણધર્મો (Chemical Properties of Metals)
- ધાતુઓ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઑક્સાઇડ બનાવે છે. સામાન્ય રીતે, ધાતુના ઑક્સાઈડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે.
- સામાન્ય રીતે ધાતુઓ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે. (અપવાદઃ સોડિયમ ધાતુ – તેને કેરોસીનમાં રાખવામાં આવે છે.)
- ધાતુ સામાન્ય રીતે ઍસિડ સાથે પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. (તાંબું મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરતું નથી.)
- કેટલીક ધાતુ બેઇઝ સાથે પ્રક્રિયા કરી હાઈડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે.
→ અધાતુના રાસાયણિક ગુણધર્મો (Chemical Properties of Non Metals):
- અધાતુ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઑક્સાઈડ બનાવે છે. સામાન્ય રીતે, અધાતુના ઑક્સાઈડ ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે.
- સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. ફૉસ્ફરસ હવામાં સળગી ઊઠે છે. આથી ફૉસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે.
- અધાતુઓ સામાન્ય રીતે ઍસિડ સાથે પ્રક્રિયા કરતી નથી.
→ વિસ્થાપન પ્રક્રિયાઓ (Displacement Reactions) : વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમનાં સંયોજનોનાં જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. આ વિસ્થાપન પ્રક્રિયાઓ છે.
→ ફક્ત જાણકારી માટે: ધાતુઓની સક્રિયતા શ્રેણી ઊતરતા ક્રમમાં K (પોટેશિયમ), Na (સોડિયમ), Ca (કેલ્શિયમ), Mg (મેગ્નેશિયમ), Al (ઍલ્યુમિનિયમ), Zn (ઝિકજસત), Fe (આયર્ન-લોખંડ), Pb (લેડ-સીસું), Cu (કૉપર-તાંબુ), Hg (પારો), Ag (ચાંદી), Au (સોનું). કેટલાંક તત્ત્વોની સંજ્ઞા તેમનાં લેટિન ભાષાના નામ પરથી લેવામાં આવી છે. દા. ત., K-Kalium; Na- Natrium; Fe – Ferrum; Pb – Plumbum; Cu – Cuprum; Hg – Hydrargyrum; Ag – Argentum; Au – Aurum.
→ ધાતુના ઉપયોગો રસોઈનાં સાધનો, પાણીની બૉટલ, યંત્રો, વાહનો, ઔદ્યોગિક સાધનો વગેરે બનાવવા.
→ અધાતુના ઉપયોગો અધાતુઓના વિવિધ ઉપયોગો છે. શ્વસનક્રિયા, રાસાયણિક ખાતરો, જંતુનાશકો, વિસ્ફોટકો, ફટાકડા, અશુદ્ધ પાણીને શુદ્ધ બનાવવા વગેરે.
→ પરમાણુ (Atom) : પદાર્થનું સૂક્ષ્મરૂપ જેને વિભાજિત કરી શકાતું નથી. તે તત્ત્વનો પાયાનો એકમ છે.
→ અણુ (Molecule) : સંયોજનના પાયાના એકમને અણુ કહે છે. તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.
→ વાહક (Conductor): ઉષ્મા તથા વિદ્યુતને પસાર થવા દેતા પદાર્થને વાહક કહે છે.
→ વિસ્થાપન પ્રક્રિયા Displacement reaction): ધાતુનાં સંયોજનોના જલીય દ્રાવણમાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને મુક્ત કરે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
→ તણાવપણું (તન્યતા) (Ductility): ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તાર બનાવી શકાય છે, તે ગુણધર્મને તણાવપણું કહે છે.
→ તત્ત્વો (Elements) એકસરખા પરમાણુઓના સમૂહથી બનતા પદાર્થોને તત્ત્વો કહે છે.
→ મજબૂતાઈ (Hardness) : ધાતુ તત્ત્વો સખત હોય છે. તેને અફાળવાથી તૂટતાં નથી. તે મજબૂતાઈનો ગુણ ધરાવે છે એમ કહેવાય.
→ ટિપાઉપણું (Malleability): ધાતુના જે ગુણધર્મને લીધે તેને ટીપીને પતરાં બનાવી શકાય છે, તે ગુણધર્મને ટિપાઉપણું કહે છે.
→ધાતુઓ (Metals) : મજબૂતાઈ, ચળકાટ, તણાવપણું, ટિપાઉપણું જેવા ગુણધર્મો ધરાવતાં તત્ત્વોને ધાતુઓ કહે છે.
→ ઉપધાતુઓ (અથવા અર્ધધાતુઓ) (Metalloids) : ધાતુ તેમજ અધાતુ બંનેના ગુણધર્મો ધરાવતાં તત્ત્વોને ઉપધાતુઓ કહે છે. (બોરોન, જર્મોનિયમ, સિલિકોન, ઍન્ટિમની, આર્સેનિક વગેરે તત્ત્વો આ પ્રકારમાં આવે.)
→ અધાતુઓ (Non-metals): મૃદુ, ઝાંખાં, તૂટી જાય તેવાં, ઉષ્મા અને વિદ્યુતના અવાહકો જેવા ગુણધર્મો ધરાવતાં તત્ત્વોને અધાતુઓ કહે છે.
→ રણકાર ઉત્પન કરે તેવું (sonorous) : ધાતુની બનાવેલી વસ્તુને અથડાવતાં વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જેને રણકાર કહે છે. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે તેવાં છે.