This GSEB Class 6 Maths Notes Chapter 9 માહિતીનું નિયમન covers all the important topics and concepts as mentioned in the chapter.
માહિતીનું નિયમન Class 6 GSEB Notes
→ ચિત્ર આલેખ (Pictograph)ઃ કેટલીક વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ માહિતી ટૂંકાવવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે. આમ, ઓછાં ચિત્રોના અભ્યાસ પરથી વિશાળ માહિતીનો તરત જ ખ્યાલ આવી જાય છે.
→ લંબ આલેખ (Bar Graph) : આપેલ માહિતીના પ્રમાણમાં ઊભા સરખી પહોળાઈના લંબચોરસ સ્તંભ આલેખપત્રમાં દોરી શકાય. આવા સ્તંભ વડે દર્શાવાતા આલેખને લંબ આલેખ કહેવાય છે.
→ આલેખપત્ર (Graph Paper) : આલેખપત્રમાં આડી અને ઊભી લીટીઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય છે. આ લીટીઓ વચ્ચેનું અંતર એકસરખું હોય છે. આલેખપત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે. આ ઘાટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેમી હોય છે. આલેખપત્રમાં 1 સેમીના 5 અથવા 10 સરખા ભાગ કરેલા હોય છે.
→ ચિત્ર આલેખ અને લંબ આલેખના ફાયદા :
- માહિતીની રજૂઆત ટૂંકી હોય છે.
- માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે.
- બે માહિતી વચ્ચેની તુલના સરળ બને છે.
- માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે.
- એક કરતાં વધારે બાબતોની માહિતી એકસાથે રજૂ કરી શકાય છે, જેથી સરખામણી શક્ય બને છે.
→ ચિત્ર આલેખ અને લંબ આલેખના ઉપયોગઃ વર્તમાનપત્રો, સામયિકો તથા ટેલિવિઝન દ્વારા માહિતીના લંબ આલેખ દર્શાવવામાં આવે છે:
- જન્મદર
- મૃત્યુદર
- ઠંડી
- ગરમી
- વરસાદ
- સાક્ષરતાનું પ્રમાણ
- ઔદ્યોગિક ઉત્પાદન
- પાકનું ઉત્પાદન
- ક્રિકેટ મેચનાં પરિણામ
- દેશની આયાત-નિકાસની સ્થિતિ
- શૈક્ષણિક માહિતી વગેરે.
→ લંબ આલેખ દોરવોઃ આલેખપત્ર પર આપણે દોરેલી આડી રેખાને X-અક્ષ (x ધરી) કહે છે.
→ આલેખપત્ર પર આપણે દોરેલી ઊભી રેખાને Y-અક્ષ (Y ધરી) કહે છે.
→ બે કે તેથી વધુ માહિતીની સરખામણી માટે લંબ આલેખ દોરવામાં આવે – છે. પ્રત્યેક આલેખને યોગ્ય શીર્ષક આપવામાં આવે છે.
→ પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ (ઊભો લંબચોરસ) X-અક્ષ પર દોરવામાં આવે છે.
→ બધા સ્તંભની પહોળાઈ એકસરખી રાખવામાં આવે છે, પરંતુ તેમની ઊંચાઈ માહિતીના મૂલ્યના સમપ્રમાણમાં લેવામાં આવે છે.
→ X-અક્ષ પર પાસપાસેના બે સ્તંભ વચ્ચેનું અંતર હંમેશાં એકસરખું રાખવામાં આવે છે. X-અક્ષ પર પ્રમાણમાપ લેવાની જરૂર નથી, પરંતુ Y-અક્ષ પર પ્રમાણમાપ લેવામાં આવે છે.
→ આલેખપત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણમાપ નક્કી કરવામાં આવે છે.
→ સામાન્ય રીતે X-અક્ષ પર ગુણાત્મક માહિતીની વિગતો દર્શાવાય છે.
→ સામાન્ય રીતે Y-અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે.
→ X-અક્ષ અને Y-અક્ષના છેદબિંદુને ઊગમબિંદુ કહે છે.
→ પ્રમાણમાપ (Scale): Y-અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણમાપ કહે છે.