This GSEB Class 7 Social Science Notes Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન covers all the important topics and concepts as mentioned in the chapter.
આપત્તિ-વ્યવસ્થાપન Class 7 GSEB Notes
→ આપત્તિ-વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે : 1. કુદરતી આપત્તિઓ અને 2. માનવસર્જિત આપત્તિઓ.
→ પૂર, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે; જ્યારે આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક સમસ્યા વગેરે માનવસર્જિત
આપત્તિઓ છે.
→ પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની આગાહી કરી શકાય છે; પરંતુ ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની આગાહી કરી શકાતી નથી.
→ ભૂકંપ (Earthquake) : પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રૂજી ઊઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ‘ભૂકંપ’ કહે છે.
→ ભૂકંપ થાય ત્યારે તમે શાળામાં હો તો પાટલીઓ કે ટેબલની નીચે બેસો; ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીના થાંભલા અને વીજળીની લાઈનોથી દૂર રહેવું; વાહન ચલાવતા હો તો પુલની નીચે કે ઉપર, વીજળીના થાંભલા કે વીજળીની લાઈન અને ટ્રાફિક સિગ્નલથી વાહન દૂર ઊભું રાખવું તથા વાહનમાં જ બેસી રહેવું, ભૂકંપના આંચકા પછી ઘરમાં નીચે પડી જાય એવી વસ્તુઓથી દૂર ઊભા રહેવું; રેડિયો પરથી કે ટેલિવિઝન પ્રસારિત થતા સમાચાર સાંભળવા વગેરે.
→ ભૂકંપ સમયે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી; ઘરમાં નીચે પડતી વસ્તુઓને અટકાવવી નહિ; બહુમાળી મકાનમાંથી નીચે ઊતરવા લિફટનો ઉપયોગ ન કરવો; તમે ઘરમાં હો તો લાકડાનાં કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ન રહેવું; રસોઈ માટેના ગેસ લીકેજની ખાતરી કર્યા વિના ઘરમાં દીવાસળી, લાઇટર કે વીજળીનાં સાધનો ચાલુ ન કરવાં, કારણ કે તેનાથી વિસ્ફોટ થઈ શકે છે; તબીબી સારવારની મદદ અને આગની કટોકટી સિવાય ફોન ન કરવા વગેરે.
→ વાવાઝોડું (ચક્રવાત – cyclone) : વાતાવરણમાં હવાના અસમાન દબાણમાં સર્જાતી અસમતુલાની પરિસ્થિતિને લીધે વિનાશકારી વાવાઝોડું સર્જાય છે. ભારતના પૂર્વતટે અને મલબાર કિનારે તેમજ ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે વાવાઝોડાની ભારે વિનાશક અસરો અનુભવાય છે.
→ ચક્રવાત અંગેની આગોતરી જાણકારી ઉપગ્રહ દ્વારા મેળવી શકાય છે; જેના આધારે ચોક્કસ વિસ્તારના માનવ સમુદાયના રક્ષણ માટે જરૂરી પગલાં ભરી શકાય છે. વાવાઝોડું ફૂંકાય ત્યારે ટીવીના સમાચાર જોવા; રેડિયો પરથી પ્રસારિત થતાં સમાચારો સાંભળવા અને તેનો અમલ કરવો; મોબાઇલ ચાર્જ કરી લેવા; અફવાઓને અનુસરવું નહિ; વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી વગેરેનો સંગ્રહ કરવો; બધાં માટે દવાની જોગવાઈ કરવી; બચાવતંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું; પીવા માટે શુદ્ધ પાણી વાપરવું; પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવાં વગેરે.
→ વાવાઝોડું ફૂંકાય ત્યારે ઊડી શકે એવી ચીજવસ્તુઓ છૂટી ન રાખવી; હવામાન વિભાગ દ્વારા અપાતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં ન લેવી; ખુલ્લામાં બહાર નીકળવું નહિ; વીજળીના થાંભલા કે વીજળીના છૂટા વાયરને અડકવું નહિ; જાહેરાતનાં મોટાં પાટિયાં કે મોટાં વૃક્ષો નીચે ઊભા રહેવું નહિ વગેરે.
→ ત્સુનામી (Tsunami) સુનામી શબ્દ જાપાનીઝ ભાષાનો છે. તેનો અર્થ વિનાશક મોજાં એવો થાય છે. સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે, તેને ‘સુનામી’ કહેવામાં આવે છે.
→ સુનામી સમયે સૂચના મળતાં જ કિનારાથી દૂર કિંમતી ચીજવસ્તુઓ લઈને સલામત સ્થળે જતા રહેવું તેમજ રેડિયો પાસે રાખવો અને તેના દ્વારા મળતી સૂચનાઓ મુજબ વર્તવું.
→ સુનામી સમયે સમુદ્રકિનારે આવેલાં ઊંચાં મકાનોમાં આશ્રય ન લેવો, કારણ કે વિનાશક મોજાંથી તે ધરાશયી થઈ શકે છે. સુનામી ઓસરી જાય એ પછી તંત્ર દ્વારા સૂચના મળે તે પહેલાં કિનારા તરફ ન જવું.
→પૂર (Flood): વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં એકધારો ભારે વરસાદ પડવાથી કે અતિવૃષ્ટિને પરિણામે નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહ પૂર’ કહેવાય છે. પૂરને લીધે કિનારાના જમીન વિસ્તારો જળબંબાકાર બની જાય છે. પૂર માટે કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જળનિકાલના માગમાં અવરોધ જેવાં માનવસર્જિત કારણો પણ જવાબદાર છે.
→ પૂર આવે ત્યારે ઘરનાં ગૅસ અને વીજળીનાં જોડાણો બંધ કરી દેવાં; પોતાની કીમતી અને અંગત વસ્તુઓ લઈ સલામત સ્થળે જતા રહેવું; સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, ફાનસ, મીણબત્તી, દિવાસળીની પેટી, રેડિયો, મોબાઇલ વગેરે પોતાની પાસે રાખવાં; બાળકોને ભૂખ્યાં ન રાખવાં; પાણી ઉકાળીને જ પીવું; પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવાં; સાપ અને અન્ય જીવજંતુઓને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી.
→ ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો તેમજ રસ્તાઓ અને પૂરની પરિસ્થિતિની ચોક્કસ માહિતી મેળવ્યા વિના સલામત સ્થળેથી નીકળવું નહિ.
→ દુષ્કાળ (Drought): વર્ષાઋતુમાં વરસાદ આવે જ નહિ કે નહિવત્ વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને “દુષ્કાળ’ કહે છે.
→ દુષ્કાળનો સામનો કરવા માટે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો
વ્યાપ વધારવો; અનાજની માપબંધી કરવી તેમજ સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા કરવી; ઉપલબ્ધ પાણીના પુરવઠાની વપરાશનું આયોજન કરવું; રાહતકામો શરૂ કરવાં; તાકીદનાં કામો સિવાયનાં બાંધકામનાં બીજાં કામો બંધ કરવાં વગેરે.
→ અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજન-સમારંભો બંધ કરવા તેમજ અનાજ કે ઘાસચારાની સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવાં.
→દુષ્કાળ પછી વિકાસકામોના ભાવિ આયોજનમાં જળસંચયનાં કામોને પ્રાથમિકતા આપવી. અનાજના બફર સ્ટૉક માટે આયોજન કરવું. નદીઓના પ્રવાહોને એકબીજા સાથે જોડવા. પાણીના સંગ્રહ માટે નાનાં-મોટાં જળાશયો બાંધવાં.
→ આપત્તિઓની અસરો :
- ભૂકંપ, પૂર, વાવાઝોડું, સુનામી વગેરે આપત્તિઓ જાનમાલનું ભારે નુકસાન કરે છે.
- આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુનઃનિર્માણનું કામ કરતાં વર્ષો નીકળી જાય છે.
- આપત્તિમાં સ્વજનો ગુમાવનાર કુટુંબો ભારે શોક અને હતાશામાં ડૂબી જાય છે.
- કમાનાર વ્યક્તિ ગુમાવનાર કુટુંબોની સ્થિતિ ભારે કફોડી બને છે.
- કાયમી વિકલાંગો બનેલાઓના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે.
→ આપત્તિઓની અસરો ઓછા-વત્તા અંશે બધા લોકો પર પડે છે; પરંતુ સૌથી માઠી અને વધુ અસર ગરીબો અને અભાવગ્રસ્તો પર પડે છે. સાવચેતી, લોકજાગૃતિ અને તંત્રની સજ્જતા રાખવાથી આપત્તિઓની વિનાશક અસરો ઓછી કરી શકાય છે. માનવસર્જિત આપત્તિઓની કેટલીક ઘટનાઓમાં અગમચેતી દાખવવામાં આવે તો દુર્ઘટનાઓ નિવારી શકાય છે. આ ઉપરાંત, આપણે સૌએ રાહત અને બચાવની કામગીરીમાં પણ મદદરૂપ બનવું જોઈએ.