This GSEB Class 7 Social Science Notes Chapter 12 વાતાવરણની સજીવો પર અસરો covers all the important topics and concepts as mentioned in the chapter.
વાતાવરણની સજીવો પર અસરો Class 7 GSEB Notes
→ વાતાવરણનું નિર્માણ: પૃથ્વીની ચોતરફ વીંટળાઈને આવેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ’ કહે છે.
→ પૃથ્વી સપાટીથી 32 કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણના સ્તરમાં 99 % જેટલી હવા સમાયેલી છે. પૃથ્વી સપાટીથી ઊંચે જતાં હવા પાતળી થતી જાય છે.
→ વાતાવરણ વાયુ, પ્રવાહી અને ઘન તત્ત્વોનું બનેલું છે. વાતાવરણમાં રહેલા ઑક્સિજન અને નાઈટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિ માટે અગત્યના છે.
→ વાતાવરણનાં વાયુ તત્ત્વોમાં વિવિધ વાયુઓ, વરાળ અને ભેજનો; પ્રવાહી તત્ત્વોમાં મુખ્યત્વે પાણીનો અને ઘન તત્ત્વોમાં સૂક્ષ્મ રજકણો, બરફકણો તેમજ સૂક્ષ્મ જીવજંતુઓનો સમાવેશ થાય છે.
→ વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન, આર્ગોન, કાર્બન ડાયૉક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન વગેરે વાયુઓ છે.
→વાતાવરણમાં વિવિધ વાયુઓનું પ્રમાણ આ પ્રમાણે છેઃ નાઈટ્રોજન આશરે 78 %, ઑક્સિજન આશરે 21 , આર્ગોન 00.94 %, કાર્બન ડાયૉક્સાઈડ 00.03 % અને બાકીના અન્ય વાયુઓ 0.01 %.
→ નાઇટ્રોજન પૃથ્વી સપાટીથી આશરે 130 કિલોમીટરની ઊંચાઈ સુધી, ઑક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ સુધી અને કાર્બન ડાયૉક્સાઈડ 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. 130 કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં હાઈડ્રોજન અને હિલિયમ વાયુઓ આવેલા છે.
→ તાપમાન અને વાયુઓની સંરચનામાં થતા ફેરફારના આધારે વાતાવરણને ચાર પેટા આવરણોમાં વિભાજિત કરવામાં આવે છે : (1) ક્ષોભ આવરણ (2) સમતાપ આવરણ (3) મધ્યાવરણ અને (4) ઉખાવરણ
→પૃથ્વી સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ‘ક્ષોભ આવરણ’ કહે છે. તે વિષુવવૃત્ત પર 18 કિલોમીટરની ઊંચાઈ સુધી, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર 12 કિલોમીટરની ઊંચાઈ સુધી અને ધ્રુવીય પ્રદેશો પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે.
→ ક્ષોભ આવરણમાં જે ઊંચાઈએ પહોંચતાં તાપમાન ઘટતું અટકી જાય તે સીમાને “ક્ષોભ સીમા’ કહે છે.
→ ક્ષોભ સીમાથી 50 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાતાવરણના સ્તરને “સમતાપ આવરણ” કહે છે.
→ સમતાપ આવરણમાં ઋતુઓ થતી નથી તેમજ વાદળાં, વંટોળિયા, વરસાદ વગેરે હોતાં નથી. અહીં હવા સ્વચ્છ અને પાતળી હોય છે. આ કારણોસર સમતાપ આવરણમાં જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઊડી શકે છે.
→ સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની સુધીના વાતાવરણના સ્તરને “મધ્યાવરણ” કહે છે.
→ મધ્યાવરણની ઉપર 80 કિલોમીટરથી શરૂ કરી, જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી વિસ્તરેલા વાતાવરણના સ્તરને ઉષ્માવરણ” કહે છે.
→ ઉષ્માવરણના બે પેટા વિભાગો પડે છેઃ
- આયનાવરણ અને
- બાહ્યાવરણ. આનાવરણથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે. ટીવી, રેડિયો-પ્રસારણ અને ઈન્ટરનેટનો લાભ આ આવરણને આભારી છે. આનાવરણની ઉપરના આવરણને બાહ્યાવરણ કહે છે.
→ વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યનાં કિરણો બારેમાસ સીધાં પડતાં હોવાથી અહીં તાપમાન ખૂબ ઊંચું રહે છે. અહીં હવામાં ભેજ પણ વધારે હોય છે. હવામાં ભેજ વધારે તેટલું હવાનું દબાણ ઓછું રહે છે. આથી વિષુવવૃત્તીય પ્રદેશોમાં બારેમાસ હલકું દબાણ રહે છે. હવામાન અને આબોહવા
→ હવામાન એટલે કોઈ સ્થળની કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ.
→ કોઈ પણ સ્થળ કે પ્રદેશનું હવામાન તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળાં વગેરેને આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ અને રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે.
→ ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્લી શહેરમાં આવેલી છે. તે IMD (ઇન્ડિયન મટિરિયોલૉજી ડિપાર્ટમેન્ટ) તરીકે ઓળખાય છે. તેનાં પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કોલકાતા, નાગપુર અને પુણે શહેરોમાં આવેલાં છે.
→ આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. આબોહવા જે-તે પ્રદેશની સજીવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ અને માનવજીવન તથા તેની પ્રવૃત્તિઓને પ્રત્યક્ષ અસર કરે છે.
→ હવામાં રહેલી ગરમીની સપાટીને “તાપમાન” કહે છે. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત્રી દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન વધારે હોય છે.
→ સૂર્યઘાત (Insolation) એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. સૂર્યાઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ ઓછું થાય છે.
→ ગુરુત્વાકર્ષણ બળને લીધે હવાનો સ્તર વજન ધરાવે છે. હવાનો વિશાળ સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વીસપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું દબાણ કહેવામાં આવે છે. પવનો
→પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હવાને “પવન” (Wind) કહે છે.
→ પવનોના મુખ્ય ત્રણ પ્રકારો છે :
- કાયમી પવનો
- મોસમી પવનો
- દૈનિક અથવા સ્થાનિક પવનો.
→ પૃથ્વી સપાટીના કેટલાક વિસ્તારોમાં બારેમાસ નિશ્ચિત દિશામાં પવનો વાય છે. આ પવનોને કાયમી પવનો” કહે છે.
→ કાયમી પવનોમાં વ્યાપારી પવનો”, “પશ્ચિમિયા પવનો અને ધ્રુવીય પવનોનો સમાવેશ થાય છે.
→ મોસમ કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને “મોસમી પવનો કહે છે.
→ ભારત, શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન વગેરે મોસમી પવનોના દેશો છે.
→ ઉનાળામાં નૈઋત્યના મોસમી પવનો અને શિયાળામાં ઈશાની મોસમી પવનો’ વાય છે.
→ પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે. પરિણામે પવનો ઉત્પન્ન થાય છે. આ પવનોને દૈનિક કે “સ્થાનિક પવનો’ કહે છે. દરિયાઈ-જમીનની લહેરો, પર્વત અને ખીણની લહેરો, ‘લૂ’ અને “શીતલહેર દેનિક કે સ્થાનિક પવનો છે.
→મહાસાગરો, સમુદ્રો અને જળાશયોમાં પાણીનું બાષ્પીભવન થતાં, પાણીની બનેલી વરાળ “ભેજ’ કહેવાય છે.
→ આબોહવાની માનવજીવન પર ગાઢ અસરો થાય છે. જેમ કે,
- વધુ વરસાદવાળા પ્રદેશનાં ઘરોનાં છાપરાં તીવ્ર ઢોળાવવાળાં; જ્યારે ઓછા વરસાદવાળા પ્રદેશનાં મકાનો ઓછા ઢોળાવવાળાં અને સપાટ છાપરાવાળાં હોય છે
- જે-તે પ્રદેશના લોકો પોતાને ત્યાં થતા ખેતીપાકોને ખોરાકમાં લે છે.
- જે પ્રદેશમાં વધુ ઠંડી પડે છે ત્યાંના લોકો આખું શરીર ઢંકાય તેવાં ઊની વસ્ત્રો પહેરે છે; જ્યારે ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો સુતરાઉ અને ખૂલતાં વસ્ત્રો પહેરે છે.
- ગરમ રણપ્રદેશના લોકો સતત ઊડતી રેતી સામે રક્ષણ મેળવવા માથે રૂમાલ અને કપડું વીંટે છે.
- ગરમ અને ભેજવાળી આબોહવાવાળા પ્રદેશના લોકો સ્વભાવે આળસુ હોય છે; જ્યારે સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશોના લોકો મહેનતુ હોય છે.
- લોકો મોટા ભાગે આબોહવા પ્રમાણે ઉત્સવો ઉજવે છે. કુદરતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ
→કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર રહેલો છે. આ ઉપરાંત, જમીનનો ઢોળાવ અને માટીની ઊંડાઈ કે માટીના થરની જાડાઈ પણ કુદરતી વનસ્પતિની વૃદ્ધિને અસર કરે છે.
→ કુદરતી વનસ્પતિને મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છેઃ
- જંગલો
- ઘાસનાં મેદાનો અને
- કાંટાળી વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાં.
→ કુદરતી વનસ્પતિઓના પ્રકારોમાં ફેરફારનું મુખ્ય કારણ આબોહવામાં ફેરફાર છે.
→ ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોનાં વૃક્ષોનાં પાંદડાં ક્યારેય એકસાથે ખરતાં નથી. અહીંનાં વૃક્ષો બારેમાસ લીલાં રહે છે. આથી તેને બારેમાસ લીલાં જંગલો કહે છે.
→ ઉષ્ણ કટિબંધીય બારેમાસ લીલાં જંગલોમાં રોઝવુડ, અબનૂસ, મહોગની, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. ભારતમાં અંદમાનનિકોબાર દ્વીપસમૂહોમાં આ પ્રકારનાં જંગલો છે.
→ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોના પ્રદેશમાં આબોહવા ગરમ હોય છે, પરંતુ વરસાદ ઓછો પડે છે. પરિણામે ઉનાળાના 6થી 8 અઠવાડિયા દરમિયાન અહીંનાં વૃક્ષોનાં બધાં પાંદડાં ખરી પડે છે. આથી ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને “પાનખર કે “ખરાઉ જંગલો’ કહે છે. ભારતના ઉચ્ચપ્રદેશો અને ડુંગરાળ પ્રદેશોમાં આ પ્રકારનાં જંગલો જોવા મળે છે.
→ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં સાગ, સાલ, સીસમ વગેરે વૃક્ષો જોવા મળે છે.
→ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, એશિયાઈ સિંહ, હાથી, સોનેરી વાંદરાં, માંકડાં વગેરે પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત, અહીંનાં જંગલોમાં ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર, મેના, બાજ, પોપટ, કાબર, કબૂતર વગેરે પક્ષીઓ જોવા મળે છે.
→સમશીતોષ્ણ બારેમાસ લીલાં જંગલોનું તાપમાન સમ હોય છે અને વરસાદ વધુ પડે છે. આ જંગલો મુખ્યત્વે દક્ષિણ-પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ-પૂર્વ બ્રાઝિલ તેમજ ભારતના ઉત્તર-પૂર્વ પર્વતીય પ્રદેશમાં જોવા મળે છે.
→સમશીતોષ્ણ ખરાઉ જંગલો મુખ્યત્વે ઉત્તર-પૂર્વ અમેરિકા, ચીન, ન્યૂ ઝીલૅન્ડ, ચીલી, પશ્ચિમ યુરોપ તેમજ ઉત્તર ભારતમાં જોવા મળે છે.
→ ભૂમધ્ય સાગરનાં જંગલો ભૂમધ્ય સમુદ્રના નજીકના પ્રદેશોમાં જોવા મળે છે. અહીં સંતરાં, ઓલિવ (જંતુન), દ્રાક્ષ વગેરે ખટાશવાળાં ફળો પુષ્કળ થાય છે.
→ શંકુદ્રુમ જંગલોમાં ચીડ, દેવદાર, ફર, ટ્યૂસ વગેરે વૃક્ષો થાય છે.
→ શંકુદુમ જંગલોમાં વાંદરા, ધ્રુવીય (સફેદ) રીંછ, કસ્તુરી મૃગ, યાક, વરુ વગેરે પ્રાણીઓ વધુ જોવા મળે છે.
→ દેવદાર અને ચીડનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે. તેથી તે કાગળ અને દીવાસળી બનાવવામાં તેમજ ચા અને દવાના પૅકિંગની પેટીઓ બનાવવામાં ઉપયોગી છે.
→ ઉષ્ણ કટિબંધીય ઊંચા ઘાસનાં મેદાનોમાં હાથી, ઝિબ્રા, જિરાફ, હરણ, કાંગારું, દીપડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
→ સમશીતોષ્ણ કટિબંધનાં ઘાસનાં મેદાનોમાં જંગલી ભેંસ, બાયસન અને કાળિયાર જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
→ રણપ્રદેશની આબોહવા ગરમ અને શુષ્ક (સૂકી) હોય છે. રણપ્રદેશોમાં મુખ્યત્વે બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે. આબોહવા સાથે અનુકૂલન સાધવા માટે અહીંની વનસ્પતિઓની છાલ પર કાંટા હોય છે.
→ દુનિયામાં અજોડ ગણાતું ઘુડખર પ્રાણી ગુજરાતમાં કચ્છના નાના રણમાં જોવા મળે છે. ગુજરાતમાં કચ્છના મોટા રણના કાદવ-કીચડવાળા વિસ્તારમાં સુરખાબ પક્ષીઓ આવે છે. અહીં શિયાળામાં યાયાવર પક્ષીઓ પણ આવે છે. આ પ્રદેશમાં સાપ અને વીંછી પણ જોવા મળે છે.
→ પર્વતની ઊંચાઈવાળા પ્રદેશમાં ઠંડી અને શુષ્ક આબોહવા હોય છે. અહીં ટૂંકું ઘાસ અને ઝાડી-ઝાંખરાં થાય છે. હિમાલય અને લડાખમાં આ વનસ્પતિ જોવા મળે છે. અહીં હિમદીપડા, ચિત્તા, પાન્ડા વગેરે પ્રાણીઓ જોવા મળે છે. કાશ્મીરમાં પશ્મિનો બકરી જોવા મળે છે.